નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, મોહન નદીમાં ઘોડાપૂર આવતાં 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં

July 06, 2022

ભરૂચ  : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. આ ઉપરાંત પૂરના પાણીમાં ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો, જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાંમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગારદા-મોટા જાંબુડા ગામ નજીકથી પસાર થતી મોહન નદીના જળસ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદથી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે તેમજ કોઝવે પર પણ પાણી ફરી વળ્યાં હતાં. કોઝવે પરથી પસાર થતાં વાહનવ્યવાર બંધ કરવાની ફરજ પડી છે.આ કોઝ-વે અંકલેશ્વર તથા સુરત જતા વાહનચાલકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ચોમાસું આવતાં દર વર્ષે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ખામ, ભૂતબેડા, તાબદા, મંડાળા, ખાબજી જેવા અનેક ગામડાં જોડાયેલાં છે, જેથી શાળા-કોલેજ જવા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ કોઝવેનો સહારો લેવો પડે છે.