ગુજરાતમાં જાણીતા મહંતે ઘાતક લમ્પી વાયરસનો તોડ શોધ્યો! જાણો દેશી અકસીર ઉપાય

August 06, 2022

ઉપલેટા: રાજ્યમાં હાલ કોરોના વાયરસની સાથે પશુઓમાં ફેલાયેલો લમ્પી વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે. ત્યારે ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય શ્રી લાલબાપુ દ્વારા ગૌમાતામાં ફેલાઈ રહેલા ઘાતક લમ્પી વાયરસથી બચાવવા માટેનો દેશી અકસીર ઉપાય સૂચવ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્યારે લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અનેક અબોલ જીવોને ઉગારવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલા વેણુ ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરીને આ ઘાતક લમ્પી વાયરસ સામે ગૌમાતાને બચાવવા માટે અકસીર દેશી ઈલાજ સૂચવ્યો છે. જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચી ગયા હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. 


આ લમ્પી વાયરસના કારણે સૌરાષ્ટ્રમાં અબોલ જીવોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે દેશી ઉપચારથી ગૌમાતાના જીવ બચાવવા માટે પૂજ્ય લાલબાપુએ હળદર અને મરીને ઔષધ ગણાવ્યા છે. જે ઉપાય સૂચવ્યો છે એ જોઈએ તો હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું. તેમજ ખાસ કરીને ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂર વાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો અને આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવો એવી રીતે આ ડોઝ ત્રણ દિવસ સુધી રોજ આપવાથી ગાય માતાને બચાવી શકાય છે.