સી-પ્લેનમાં કેવડિયા જવાનું ભાડું 4,800, ફ્લાઇટમાં દિલ્હી જવાનું ભાડું 2500!

October 26, 2020

અમદાવાદ : સી-પ્લેન સોમવારે અમદાવાદ આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે.

દરમિયાન કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતા રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે, પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે.

સી-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ પણ ઉડાન યોજના હેઠળ આવે છે, ત્યારે આટલું ભાડું હોવાથી સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા છે. દરમિયાન દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.