ખેડૂતો પાકિસ્તાનના નથી, સરકાર તેમની સમસ્યાનો ઉકેલ લાવે - અન્ના હઝારે

November 29, 2020

નવી દિલ્હી- મોદી સરકારના નવા કૃષિ બિલ સામે આંદોલને ચઢેલા ખેડૂતોને ટેકો આપવા માટે ગાંધીવાદી સમાજ સેવક અન્ના હજારે પણ મેદાનમાં આવ્યા છે.
ખેડૂતો દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે અને સરકાર તરફથી ગૃહ મંત્રી અમિત શાહે મુકેલો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવી ચુક્યા છે.ખેડૂતોને અન્ના હજારેએ સમર્થન આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોની માંગણીઓનુ હું સમર્થન કરુ છું.તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતો અને સરકારની સ્થિતિ ભારત -પાકિસ્તાન જેવી થઈ ગઈ છે પણ સરકારે ખેડૂતોની સાથે ચૂટંણી ટાણે મત માંગતી વખતે જે રીતે વાત કરે છે તે જ રીતે હવે વાત કરવી જોઈએ.


તેમણે કહ્યુ હતુ કે, આજે તો ખેડૂતો અહિંસક આંદોલન કરી રહ્યા છે પણ કાલે ઉઠીને જો ખેડૂતો હિંસા પર ઉતરી આવશે તો તે માટે કોણ જવાબદારી લેશે.ખેડૂતો પાકિસ્તાની નથી.સરકાર તેમની સાથે ચર્ચા કરે.દેશનુ કમનસીબ છે કે ખેડૂતોને આંદોલન કરવુ પડી રહ્યુ છે.ખેડૂતો આપણા દેશના જ છે.ચૂંટણી સમયે તમે તેમની પાસે વોટ માંગવા ગયા હતા તો હવે તેમની સમસ્યાનુ સમાધાન પણ કરો.

અન્ના હજારેએ કહ્યુ હતુ કે, ખેડૂતો પર આકરા શિયાળામાં પાણીનો મારો ચલાવાયો હતો તે પણ યોગ્ય નથી.સરકારે ખેડૂતો સાથે વહેલી તકે બેઠક યોજવી જોઈએ.