હિરાસર એરપોર્ટની દિવાલ તૂટતા ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ

September 04, 2024

રાજકોટમાં હિરાસર એરપોર્ટની દિવાલ તૂટવાના મામલે ચોટીલાના લોમા કોટડી ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા વળતર માગ્યુ છે. દિવાલ તૂટવાથી પાણી ખેતર સુધી પહોચ્યું અને પાક ધોવાઈ ગયો હતો. જેમાં 15 ફૂટ ઊંચી અને 50 ફૂટની દિવાલનો ભાગ તૂટી ગયો હતો. જેને કારણે ત્યાં જાળી મુકવામાં આવી છે.

ગામના સરપંચ દ્વારા ધારાસભ્યને લેટર લખી વળતરની માગણી કરવામાં આવી છે. ધારાસભ્ય શામજી ચૌહાણને સ્થાનિકોએ રજૂઆત કરી પાકની નુકસાની પેટે વળતર આપવા રજૂઆત કરી છે. તાજેતરમાં રાજકોટ વરસાદે તારાજી સર્જી દીધી હતી જેમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદના કારણે રાજકોટનો મેળો પણ રદ્દ કરાયો હતો ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટમાં આવેલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.