કૃષિ કાયદાનાં વિરોધમાં ખેડૂતોએ ૨૪ કલાક માટે કુંડલી-પલવાલ એક્સ્પ્રેસ વૅ બ્લોક કર્યો

April 11, 2021

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાનાં વિરોધમાં ચાર મહિના કરતા વધુ સમયથી દિલ્હીની બોર્ડર પર આંદોલન અને ધરણા કરી રહેલા ખેડૂતોએ શનિવારે કુંડલી- માનેસર- પલવાલ તેમજ કુંડલી- ગાઝિયાબાદ- પલવાલ હાઈવે ૨૪ કલાક માટે બ્લોક કર્યો હતો. શનિવારે સવારે ૮ વાગ્યાથી રસ્તા બ્લોક કરવાનું શરૂ કરાયું હતું જે ૨૪ કલાક બ્લોક રહેશે. જુદાજુદા ખેડૂત સંગઠનોનાં સંયુક્ત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ૨૪ કલાક માટે રસ્તા રોકોનું એલાન આપ્યું હતું.  હરિયાણા પોલીસે આ દરમિયાન લોકોને કકદ્બસ્ઁ એક્સપ્રેસ વૅનો ઉપયોગ નહીં કરવા સૂચના આપી હતી. કિસાન નેેતાઓએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા સરકારને ચેતવણી આપી હતી. ૧૩ એપ્રિલે ખેડૂતો જલિયાવાલા બાગનાં શહીદોને શ્રાધ્ધાંજલી આપશે. ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે બંધારણ બચાવો દિનની ઉજવણી કરાશે. દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે ખેડૂતોનાં હિંસક આંદોલન વખતે મોસ્ટ વૉન્ટેડ લખા સિધાનાએ કુંડલી બોર્ડર ખાતે ખેડૂતોની રેલીની આગેવાની સંભાળી હતી. તેણે કહ્યું હતું કે હું ફરાર થયો નથી. પોલીસ ઈચ્છે તો મને પકડી શકે છે. અમારું આંદોલન ચાલી રહ્યું છે અને અમારી એકતા જળવાઈ રહી છે. સિધાનાની સાથે કેટલાક કિસાન નેતાઓ અને તેનાં ટેકેદારો હાજર હતા.