ખેડૂતોની ધીરજ ખૂટી : ખટ્ટરની કિસાન મહાપંચાયતમાં તોડફોડ

January 11, 2021

કરનાલઃ  નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદ પર લગભગ દોઢ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આ સમયમાં ૪૫થી વધુ ખેડૂતોના મોત થયા છે. આમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. પરિણામે હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી હોવાનું જણાય છે. હરિયાણાના કરનાલમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે યોજેલી કિસાન મહાપંચાયતમાં ખેડૂતોએ રવિવારે ભારે તોડફોડ કરી હતી. આથી કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. બીજીબાજુ આંદોલનકારી ખેડૂતોમાં પણ ફાંટા પડયા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે જણાવ્યું કે આંદોલન કરી રહેલા ૪૦ ખેડૂત સંગઠનોમાંથી કેટલાક ખેડૂત નેતાઓ સરકાર સાથે સમાધાન કરવા માગતા નથી. આવા લોકોને સમજાવવામાં આવશે અથવા તેમને દૂર કરી દેવાશે. બીજીબાજુ ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી યોજાશે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલન સામે ભાજપે ખેડૂતોને નવા કાયદાના ફાયદા સમજાવવાનું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કરનાલના કમિલા ગામમાં 'કિસાન મહાપંચાયત' કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ ખેડૂતોને નવા કાયદાના લાભ વિશે સમજાવવાના હતા તેમજ કરનાલના વિકાસ માટે રૂ. ૪૭ કરોડના મૂલ્યના વિકાસ કામોની જાહેરાત પણ કરવાના હતા.
જોકે, મુખ્યમંત્રી ખટ્ટરની કિસાન મહાપંચાયતનો વિરોધ કરતાં આંદોલનકારી ખેડૂતોએ ભારે તોફાન મચાવી કાર્યક્રમ અટકાવી દીધો હતો. ખેડૂતોને કમિલા ગામમાં પ્રવેશતા અટકાવવા પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. ખેડૂતોએ ખટ્ટરનું હેલિકોપ્ટર ઉતરાણ કરવાનું હતું તે કામચલાઉ હેલિપેડને નુકસાન પહોંચાડયું હતું. પાછળથી ખેડૂતોએ હેલિપેડ પર કબજો જમાવ્યો હતો અને ત્યાં અડ્ડો જમાવ્યો હતો. કેટલાક ખેડૂતોએ હેલિપેડના ટાઈલ્સ ઉખાડી નાંખ્યા હતા. ખેડૂતોએ કિસાન મહાપંચાયત કાર્યક્રમના સ્થળે મંચ, ટેબલ, ખુરશીઓ તોડી નાંખ્યા હતા. ખેડૂતોએ પોલીસ જવાનો પર પથ્થરમારો પણ કર્યો હતો. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી કરતાં ભારતીય કિસાન યુનિયન (ચારુની)ના બેનર હેઠળ ખેડૂતોએ અગાઉ 'કિસાન મહાપંચાયત'નો વિરોધ કર્યો હતો.