રશિયાના મધ્ય યુક્રેન પર ઘાતક હુમલા : 41 લોકોના મોત, 180 ઘાયલ

September 04, 2024

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. રશિયા અને યુક્રેન બન્ને એકબીજા પર સતત ઘાતક હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે.

આ દરમિયાન રશિયાએ મધ્ય યુક્રેનમાં જોરદાર હુમલા શરૂ કર્યા છે. આ મિસાઈલ હુમલાઓમાં 41 લોકોના મોત થયા છે અને 180 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આ હુમલાની જાણકારી આપી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે જણાવ્યું હતું કે, રશિયાએ મધ્ય યુક્રેનમાં એક શૈક્ષણિક સંસ્થા અને નજીકની હોસ્પિટલ પર બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે અને 180 અન્ય ઘાયલ થયા હતા. ઝેલેન્સકીએ તેની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું કે, આ હુમલો પોલ્ટાવા પ્રદેશમાં થયો હતો.