ઈમરાન ખાનની સરકારના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી પર સ્કૂલમાંથી નળ ચોરી કરવાનો આરોપ લાગ્યો

May 21, 2023

દિલ્હી- પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના પૂર્વ મંત્રી અને ઈમરાન ખાનના નિકટના ગણાતા નેતા ફવાદ ચૌધરી પર સ્કૂલના નળની અને વીજ વાયરોની ચોરીનો આરોપ લાગ્યો છે. ફવાદ ચૌધરી સામે મુલતાનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મુઝ્ઝફર હનીફ નામના વ્યક્તિએ કરી છે. જેમાં સરકારી પ્રાથમિક સ્કૂલમાંથી સ્કૂલના નળ અને વીજળીના વાયરોની ચોરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

લાહોર હાઈકોર્ટમાં ફવાદ ચૌધરી સામે કુલ મળીને 11 કેસની સુનાવણી થવાની છે અને તેમાં નળ અને વીજ વાયર ચોરીના કેસનો પણ સમાવેશ થાય છે. ફવાદ ચૌધરીએ હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં પોતાની સામે કયા કયા પોલીસ કેસ છે તેની જાણકારી માંગી હતી અને પંજાબ પોલીસે આપેલી જાણકારીમાં નળ ચોરીના આરોપોનો પણ ખુલાસો થયો છે. ફવાદ ચૌધરી ઈમરાન ખાન સરકારમાં માહિતી, સૂચના અને પ્રસારણ મંત્રી હતી અને પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વખતો વખત ભારત સામે ઝેર ઓક્યુ હતુ.

ફવાદના વકીલનુ કહેવુ છે કે, રાજકીય ગજગ્રાહના કારણે ફવાદ ચૌધરી પર સાવ પાયા વગરના આક્ષેપો સાથે કેસ કરવામાં આવ્યા છે. આ કેસની આડમાં ફવાદ ચૌધરીની હેરાનગતી થઈ શકે છે.