MPમાં 304 કરોડનો ડેમ તૂટવાનો ડર:ડેમના નીચેના 18 ગામોને ખાલી કરાયા, સેના તહેનાત

August 13, 2022

ધાર : ધાર જિલ્લાના કારમ નદી પર બાંધવામાં આવેલો ડેમ લીકેજ પછી તૂટવાનું જોખમ જોઈને અહીં સેના તહેનાત કરવામાં આવી છે. શુક્રવારે રાતે સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. એનડીઆરએફની સુરત, વડોદરા, દિલ્હી અને ભોપાલથી એક-એક ટીમ રવાના થઈ છે. દરેક ટીમમાં 30થી 35 જવાન છે. પ્રશાસનનો દાવો છે કે, શનિવારે સવારે ચાર વાગે ડેમના નીચાળવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. 

શનિવારે સવારે જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ અને ઉદ્યોગ સંવર્ધન મંત્રી રાજવર્ધન સિંહ દત્તીગાંવ, કમિશનર, કલેક્ટર અને એસપી ઘટના સ્થળે છે. તેમની દેખરેખમાં ડેમના બીજા છેડેથી વૈકલ્પિક નહેર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રશાસનનો પ્રયત્ન છે કે, ડેમમાં જમા પાણીનું પ્રેશર ઓછું કરવા બીજા છેડેથી પાણી નીકાળવામાં આવી રહ્યું છે. ડેમમાં 45 મિલિયન ઘન મીટર પાણીની ક્ષમતા છે. જ્યારે તેમાં અત્યારે 15 મિલિયન ઘન મીટર પાણી છે. પાણી વધારે ઓછું થઈ જશે તો ડેમને તૂટતા અટકાવી શકાશે. સિલાવટે જણાવ્યું કે, કારમ ડેમમાં એક છેડેથી સુરક્ષીત પાણી કાઢવામાં આવી રહ્યું છે જેથી ડેમની દિવાલો પર પાણીનું પ્રેશર ઓછું કરી શકાશે. ડેમના નીચાળવાળા ગામોને સુરક્ષીત રાખવા માટે ગામ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

મુખ્યમત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે મંત્રાલયના કંટ્રોલ રૂમમાં ખાસ બેઠક કરીને ધાર જિલ્લામાં જનતાની સુરક્ષાના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે ગામોમાં જોખમ આવી શકે છે ત્યાંના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્ય સચિવ ઈકલાબ સિંહ બેંસ, ACS રાજૌરા, ACS એસએ મિશ્રા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, અમારો પ્રયત્ન છે કે બાયપાસ નહેર બની જાય, જેનાથી પાણી કાઢી શકાય. ગુરુવારથી સતત કામ ચાલી રહ્યું છે. ડેમ સુરક્ષાના રાષ્ટ્રીય નિષ્ણાતો પણ અમારા સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ તેમના ઘરે જૈત જવાનો કાર્યક્રમ પણ રદ કર્યો છે. જૈતમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને તિરંગો તેમના પરિવારજનો લહેરાવશે.