ટોકિયો અોલિમ્પિક બાદ ફેડરર નિવૃત્તિ લે તેવી શક્યતા

July 29, 2020

ઝુરિચઃ સ્વિત્ઝર્લેન્ડના ૩૮ વર્ષીય લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ લેવાનો ઈશારો કર્યો છે. ફેડરરે કબૂલાત કરી છે કે, મારી કારકિર્દી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. મારી કારકિર્દીની આખરી સિદ્ધિ તરીકે હું વધુ એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા માંગુ છું. સ્વિસ લેજન્ડ ફેડરર સૌથી વધુ ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની સિદ્ધિ ધરાવે છે અને તે ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકની મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. જ્યારે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તેને સિંગલ્સમાં સિલ્વર મળ્યો હતો. કોરોનાના કારણે હાલ આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્થગિત છે અને ફેડરરે તેના જમણા ઘુંટણની ઈજા પર સર્જરી કરાવી છે. તે ચાલુ વર્ષે તો એક પણ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો નથી. જોકે આવતા વર્ષે તેણે પુનરાગમન કરવાની આશા વ્યક્ત કરી છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં ફેડરર ૩૯ વર્ષનો થશે.