આફ્રિકાના દેશ સેનેગલની હોસ્પિટલમાં આગ : 11 બાળકોનાં મોત

May 28, 2022

તિવાઉને (સેનેગલ) : આફ્રીકાના દેશ સેનેગલની એક હોસ્પિટલના નવજાત શિશુના વિભાગમાં આગ લાગવાથી ૧૧ બાળકોના મોત થયા છે તેમ સેનેગલના રાષ્ટ્રપતિ મેકી સેલે આ માહિતી આપી છે. સેલે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ફક્ત ત્રણ બાળકોને જ બચાવી શકાયા છે. આ ઘટનાને પગલે તેમણે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આગ સેનેગલની રાજધાની ડકારથી ૧૨૦ કિમી દૂર ઉત્તર પૂર્વ તિવાઉને શહેરના અબ્દુલ અઝીઝ સઇ દબાખ હોસ્પિટલમાં લાગી હતી. સાક્ષીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલની અંદરની સ્થિતિ ભયાનક હતી અને આગ અને ધુમાડા સિવાય બીજું કંઇ પણ દેખાતું ન હતું. આ દુર્ઘટનામાં પોતાના બાળકને ગુમાવનારા એક પીડિતે જણાવ્યું છે કે તેમને હજુ સુધી વિશ્વાસ થતોે નથી કે તેમનું બાળક હવે આ દુનિયામાં રહ્યું નથી. મેયર ડેમ્બા ડીઓપના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. સ્થાનિક મીડિયાએ ગૃહ પ્રધાન એન્ટોમ ડિયોમના હવાલાથી જણાવ્યું છે કે અધિકારીઓ હોસ્પિટલની સુવિધાઓની સમીક્ષા કરશે.