ભચાઉના ચીરઈ પાસે માલગાડીના ડબ્બામાં આગ: બે દાઝ્યા, એક ગંભીર

August 01, 2020

ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ ખાતેના ચીરઈ પાસે રાત્રીના આવી રહેલી એક વાતાનુકૂલિત ક્ધટેઈનર ટ્રેનમાં આગની ઘટના બની હતી. સ્થાનિક અગ્નિશમન દળ દ્વારા તેને બુઝાવી હતી, પરંતુ ઘટનામાં એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હોવાનું અને એક ઓછાવત્તા અંશે દાઝ્યો હોવાનું જાણવા મળે છે. આગજનીની ઘટના અંગે રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા છે અને ઈંક્વાયરી ટીમ મોડી રાત્રે જ સ્થળ પર પહોંચી ગઈ હતી.


ગુરુવારના રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં દાદરીથી મુંદ્રા જતી એસી ક્ધટેઈનરની ટ્રેન ભચાઉના ચીરઈ સ્ટેશન પર આવી પહોંચી હતી. જે આવતા વેંત, તે વચ્ચે રહેલા એક ક્ધટેઈનરમાંથી આગની લપેટો નિકળતી હોવાનું સામે આવતા સ્ટેશન પર રહેલી અગ્નિશમનની સાધન સામગ્રી લઈને તે ડબ્બા પર મારો ચલાવીને તેને કાબૂમાં લવાઈ હતી. આ આગની ઘટના જે એસી ક્ધટેઈનરમાં લાગી, તેમાં જનરેટર હતું અને ક્ધટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ચાર કર્મચારીઓ તેમા તે સમયે હાજર હતા. જેમાંથી સદ્ભાગ્યે બેને કોઇ ઈજા પહોંચી નથી, પરંતુ એક ઓછાવત્તા અંશે તો એક ગંભીર રીતે દાઝ્યા હતા જેમાં નિદેશ શર્મા અને પ્રશાંત શર્માનો સમાવેશ થાય છે. બન્નેને ૧૦૮ની મદદથી ચીરઈથી ગાંધીધામમાં અને ત્યાંથી સ્ટર્લિંમ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટના ક્યાં સંજોગોમાં બની અને આગ લાગવા પાછળ જનરેટર કક્ષ કે અન્ય ક્યું કારણ જવાબદાર રહ્યું તે અંગે રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા હોવાનું અને મોડી રાત્રે તપાસનીસ ટીમ સ્થળ પર પણ પહોંચી હોવાનું જાણવા મળે છે. ટ્રેનને ઘટના બાદ જે તે વેગનથી અલગ કરીને રોકી દેવામાં આવી હતી.