ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં લાગી આગ, 1નું મોત, 2 ઘાયલ

October 15, 2021

અંકલેશ્વર- શુક્રવારે સાંજના સમયે ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં આગ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા સમયે આગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.


કેમિકલ કંપનીમાં આગ લાગવાથી કુલ 3 વ્યક્તિઓના દાઝી જવાની માહિતિ મળી હતી. આ સાથે જ તમામ ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે અને સાથે 2 વ્યક્તિઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી ભયાનક હતી કે તેના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આ સાથે જ આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.


કેમિકલ કંપનીમાં આગ લાગ્યાની માહિતિ મળતાની સાથે જ 4 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં સફળતા મેળવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહીં બચાવ કામગીરી પણ તરત જ શરૂ કરી દેવામાં આવી હતી.