કેનેડાનાં બે શહેરોમાં આતશબાજી પર પ્રતિબંધ, ભારતીયોમાં ભારે નારાજગી

February 11, 2023

ટોરોન્ટો  : કેનેડામાં બ્રેમ્પટન બાદ હિન્દુ બહુમતીવાળા મિસીસોગા સિટીમાં ફટાકડાના વેચાણ પર કેટલાક પ્રકારનાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. બંને ગ્રેટર ટોરેન્ટો એરિયાનાં દસ મોટાં શહેરો પૈકીનાં છે. અહીંના કેટલાંક અન્ય શહેર આ જ પ્રકારના નિયમો બનાવવા માટેની તૈયારી કરી રહ્યાં છે. ઓન્ટોરિયો પ્રાંતનાં શહેર મિસીસોગા કેનેડાનાં સાતમાં સૌથી વધુ વસતી ધરાવતાં શહેર તરીકે છે. અહીં સાત લાખની વસતીમાં 70 હજાર ભારતીય છે.

મિસીસોગા સિટી કાઉન્સિલે અધિકારીઓને ફટાકડાના વેચાણને રોકવા માટે કડક નિયમો બનાવવા માટે સૂચના આપી છે. આની પાછળ કેટલાંક કારણો રહેલાં છે. મિસીસોગામાં ગયા વર્ષે દિવાળી પર ફટાકડા ફોડવાને લઇને વિવાદ થયો હતો. ગયા વર્ષે બ્રેમ્પટનમાં મોડી રાત સુધી ફટાકડા ફોડવાની આશરે 1500 ફરિયાદ મળી હતી. અલબત્ત બ્રેમ્પટન સિટીએ દિવાળી પર આતશબાજીના કાર્યક્રમની પણ જાહેરાત કરી છે. કેનેડામાં મોટા ભાગે દિવાળી, કેનેડા ડે પર જ આતશબાજી કરાય છે. હિન્દુ સમુદાયના લોકો ફટાકડા પર પ્રતિબંધના નિર્ણયથી ભારે નારાજ છે.

નવા વર્ષની ઉજવણીમાં પણ કેટલાક લોકો આતશબાજી કરે છે.  આતશબાજી વગર દિવાળી પર્વની ઉજવણી અધૂરી છે. સરકારને સમજવાની જરૂર છે કે આતશબાજી હિન્દુઓની સંસ્કૃતિ સાથે જોડાયેલો સંવેદનશીલ ભાગ છે. કેટલાક લોકો વહેલી પરોઢે 3-4 વાગે ઊઠીને ફટાકડા ફોડે છે.

તેમને લાઈસન્સ ફી વધારવાના સંબંધમાં રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. અસ્થાયી દુકાનો પર પ્રતિબંધ મૂકવા અને કોઇ દુકાનમાં 15 ટકા કરતાં વધારે ફટાકડા ન હોય તે બાબતની ખાતરી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ફટાકડા ફોડવા પર 38,000 ડોલરનો દંડ લગાવવા માટે પણ જોગવાઇ કરાઇ છે.

વીમા કંપનીમાં કામ કરનાર મિસીસોગાના દીપક પાન્ડે (29)નું કહેવું છે કે દિવાળીના દિવસે હિન્દુ અને શીખ બંને ખુશી મનાવે છે. હિન્દુ દિવાળી તો શીખો બંદી છોડ દિવસ મનાવે છે. બ્રેમ્પટનમાં સોફ્ટવેર ડેવલેપર અક્ષય ગર્ગ (27)નું કહેવું છે કે પૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાના બદલે સમય મર્યાદા નક્કી કરી શકાય છે.

સરકારના પ્રતિબંધના નિર્ણયથી આતશબાજીના ધંધાને માઠી અસર થશે. એક વેપારીએ કહ્યું છે કે, વર્તમાન નિયમ એક રીતે પૂર્ણરૂપે પ્રતિબંધ સમાન છે. ગયા વર્ષે જ બિઝનેસ લાીસન્સ ચાર્જ વધારી દેવાયો હતો. હવે આ ચાર્જને ચાર ગણો કરવામાં આવી રહ્યો છે. આના કારણે વેપાર કરવાની બાબત પહેલા કરતા ખૂબ મુશ્કેલ બની જશે.