અમદાવાદમાં જુદા જુદા અકસ્માતમાં પાંચનાં મોત

February 23, 2020

અમદાવાદ :શહેરના અલગ અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતોના બનેલા બનાવોમાં કુલ પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. ઘોડાસર કેડિલા બ્રિજ નજીક રહેતા હરીશ રાજપુરોહિત સ્કૂટર ઉપર પૂજાને લઈને મણિનગર તરફ જતા હતા ત્યારે એએમટીએસની ટક્કરથી બંને પટકાઈ પડ્યા હતા, જેમાં પૂજા ઉપરથી બસનું ટાયર ફરી વળતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
બીજી ઘટનામાં સૈજપુર ખાતે રહેતો અને શાળામાં અભ્યાસ કરતો મીત જીનગર (ઉ.વ.૧૭)ને એક સ્કૂટર ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
ત્રીજા બનાવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ઉમાબેન શર્મા (ઉ.વ.૬૫) ઘરના બહાર આવેલા ઓટલા ઉપર બેઠા હતા ત્યારે પૂરઝડપે રિવર્સમાં ગાડી હંકારી રહેલા ચાલકે ઉમાબેનને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચોથા બનાવમાં ઓઢવમાં શંભુદયાલ શર્મા સ્કૂટર લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં પટકાઈ જવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તો રિવરફ્રંટના આંબેડકરનગર પાસે ૬૦ વર્ષીય વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કારચાલકે અડફેટે લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે પાંચેય અકસ્માતના બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.