પાંચ રાજ્યોમાં કરા પડયા, હિમાચલમાં ભારે બરફવર્ષાથી 300 કાર ફસાઈ

March 18, 2023

દેશમાં શિયાળો જતાં જ ગરમી શરૂ થાય તે પહેલાં વરસાદનું આગમન થયું છે. ગયા ગુરુવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ઝડપી વરસાદ થવા સાથે કરા પડયા હતા. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

બીજી તરફ કુલ્લુ-મનાલીમાં લાહૌલ સ્પિતિમાં બરફવર્ષાને કારણે રસ્તા લપસણા બની ગયા હતા. તેને કારણે 300 વાહન અટલ ટનલમાં ફસાઇ જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં એક વિક્ષોભ સક્રિય છે. તેના પ્રભાવને કારણે સાઉથ-ઇસ્ટ રાજસ્થાનમાં ચક્રવાતની સ્થિતિ બનેલી છે. તેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

16 માર્ચથી ફરી પશ્ચિમી વિક્ષોભ જેવી સ્થિતિ બનેલી છે. દક્ષિણ-પૂર્વની હવાઓ બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજવાળા પવન લાવી રહ્યો છે. તેને કારણે ઉત્તર ભારતમાં વરસાદ, કરા વૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ બનેલી છે. રાજસ્થાનમાં મોડી સાંજે જયપુર, બિકાનેર સહિત 10 જિલ્લામાં પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. બિકાનેર અને સીકરમાં આજે પણ વરસાદ છે.