‘ઉડાન’ : SOUને દેશના અન્ય શહેરો સાથે જોડવામાં આવશે

February 02, 2020

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૫ સુધીમાં ઉડાન યોજના હેઠળ ગુજરાતને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ યોજનામાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પણ વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે રાજપીપળા ખાતે એરપોર્ટની કનેક્ટિવિટી થશે. ઉલ્લેખનીય છેકે, ઉડાન -૪યોજના હેઠળ તાજેતરમાં જ દેશના અન્ય શહેરોની જોડવાની જાહેરાત થઇ છે. હવે ઉડાન -૫ હેઠળ ગુજરાતના પણ અન્ય શહેરોને વિમાની સેવા સાથે સાંકળવામાં આવી શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે વધુને વધુ લોકો આવે તે માટે પણ આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં રજવાડાઓના સમયમાં એરસ્ટ્રિપ વિકસાવવામાં આવી હતી.આ એરસ્ટ્રિપ  અમરેલી,છાડબેટ, ધાંગધ્રા, ડીસા, કંડલા, કેશોદ, ખંભાળિયા,  ખાવડા, લીંબડી, માંડવી,મહેસાણા, મીઠાપુર, મોરબી, મુંદ્રા, નલિયા, પારસોલી, પોરબંદર, રાધનપુર, વઢવાણ અને વાંકાનેરમાં પણ છે. કેન્દ્ર સરકારે આ એર સ્ટ્રિપમાંથી મુંદ્રાનો વિકાસ કર્યો છે. હજી ઉપરોક્ત એરસ્ટ્રિપમાંથી ઉડાન હેઠળ કઇ એર સ્ટ્રિપને આવરી લેવામાં આવશે હવે નક્કી કરાશે.