પાકિસ્તાનમાં પુરનો પ્રકોપ, 1500ના મોત: વરસાદી તાંડવ બાદ રોગચાળો વકર્યો

September 16, 2022

દિલ્હી- પાકિસ્તાનમાં પુરની સ્થિતિેને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દરરોજ 90,000થી વધુ લોકોને ચેપી અને પાણીજન્ય રોગો માટે સારવાર આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં સરકારી ડેટા પ્રમાણે પુરના કારણે કુલ મૃત્યુઆંક 1,500 પર પહોંચ્યો છે. શુક્રવારે દક્ષિણી સિંધ પ્રાંતીય સરકાર દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, પૂરગ્રસ્ત વિસ્તારો મેલેરિયા, ડેન્ગ્યુ તાવ, ઝાડા અને ચામડીની સમસ્યાઓ સહિત અનેક રોગોનો શિકાર બની રહ્યાં છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણીજન્ય રોગોના કારણે 1 જુલાઇથી અત્યાર સુધીમાં કુલ 23 લાખ દર્દીઓને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. 

દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં મોનસુન વરસાદ અને ઉત્તરીય ભાગોમાં હિમનદી પીગળવાથી પૂર આવ્યું છે. જેના કારણે લગભગ 33 મિલિયન લોકોને અસર થઈ છે, ઘર, પાક, પુલ, રસ્તાઓ અને પશુધનનો નાશ થયો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પ્રમાણે 536 બાળકો અને 308 મહિલાઓ સહિત 1,508 મૃત્યુ થયા છે. અહીં હાલ હજારો વિસ્થાપિત લોકોને ખોરાક, આશ્રય, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય અને દવાઓ માટે સહાયની સખત જરૂર છે.