ST કર્મચારીઓ બાદ હવે પૂર્વ સૈનિકોનું આંદોલન પણ સમેટાયું

September 21, 2022

ગાંધીનગર, : વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ વિવિધ ક્ષેત્રના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓ મામલે રાજ્ય સરકારનું નાક દબાવવા માટે પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર સામે 20થી પણ વધારે આંદોલનો ચાલી રહ્યા છે. તેમાંથી એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે સમાધાન કરવામાં આવતા તેમનું આંદોલન સમેટાયું હતું. ત્યારે હવે પૂર્વ સૈનિકોના આંદોલનનો પણ અંત આવ્યો છે.

સરકારે પૂર્વ સૈનિકોના પ્રશ્નો અંગે કમિટીની રચના કરવાની જાહેરાત કરી ત્યાર બાદ આંદોલન પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાની સમિતિ રચવામાં આવશે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવશે. આ સાથે જ આજે બે આંદોલનના સુખદ અંત સાથે વિવિધ આંદોલનોના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે.