ફૂટબોલ વર્લ્ડકપ : એમ્બાપ્પેના બે ગોલને સહારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ક્વાર્ટર ફાઈનલમાં

December 05, 2022

અલ-થુમામા: ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે 3-1થી પોલેન્ડને હરાવીને ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ફ્રાન્સની જીતમાં યુવા ખેલાડી એમ્બાપ્પેએ નિર્ણાયક દેખાવ કરતાં બે ગોલ ફટકાર્યા હતા. 23 વર્ષના એમ્બાપ્પેના આ સાથે કતાર વર્લ્ડકપમાં કુલ પાંચ ગોલ થઈ ગયા હતા. જ્યારે સિનિયર ખેલાડી જીરોડે એક ગોલ નોંધાવ્યો હતો. આખરી મિનિટોમાં મળેલી પેનલ્ટી કીક પર લેવાન્ડોવસ્કીએ પોલેન્ડનું ખાતું ખોલાવ્યું હતુ. જોકે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતુ. હવે ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સની ટક્કર સેનેગલ અને ઈંગ્લેન્ડની મેચની વિજેતા ટીમ સામે થશે. ફ્રાન્સે પ્રભાવશાળી જીત સાથે ફરીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. સ્ટાર ખેલાડીઓની ઈજાથી પરેશાન હોવા છતાં ફ્રાન્સે અસરકારક દેખાવ કર્યો હતો. હાફ ટાઈમની એક મિનિટ પહેલા જીરોડે ગોલ નોંધાવ્યો હતો. જ્યારે બીજા હાફમાં એમ્બાપ્પેએ બે ગોલ નોંધાવતા ટીમની જીત સુનિશ્ચિત કરી લીધી હતી. લેવાન્ડોવસ્કીએ આખરી મિનિટોમાં ગોલ નોંધાવ્યો હતો, જે તેની વર્લ્ડકપ કારકિર્દીનો માત્ર બીજો ગોલ હતો.