2036ની ઓલિમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદે અત્યારથી તૈયારીઓ શરૂ કરી : વિજય રૂપાણી

June 10, 2021

અમદાવાદ : 2036ના ઓલિમ્પિક્સ અમદાવાદમાં જ્યારથી રમાવાના એંધાણ મળ્યા છે, ત્યારે ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા પછી હવે ઓલિમ્પિક્સ માટે કમર કસી લીધી છે. વર્ષ 2036ની ઓલિમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઔડાએ તો ઓલિમ્પિક્સની જરૂરિયાતના સરવે માટે ટેન્ડર પણ બહાર પાડી દીધા છે. ત્યારે આ મુદ્દે આજે સીએમ વિજય રૂપાણીને એક પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવ્યું હતું.

2036ના ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજાશે કે નહીં તેના વિશે જ્યારે સીએમ વિજય રૂપાણીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, 2036માં અમદાવાદમાં ઓલમ્પિક રમાશે તે આનંદની વાત છે. તમને જણાવી દઈએ કે એક અંદાજ લગાવાઈ રહ્યો છે કે જો અમદાવાદામાં ઓલિમ્પિક રમાશે તો 50 હજાર કરોડથી વધુ ખર્ચ થશે. અગાઉ આઈઓએના પ્રમુખ બત્રાએ જણાવ્યું હતું કે, 2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે એમ છે.

હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે. ત્યારે 2036 માટે અમદાવાદની દાવેદારી નોંધાવી શકાય એ માટે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલો અને હોટલો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે કરવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી એક એજન્સીની નિમણૂક કરશે. એ માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ એજન્સી ત્રણ મહિનામાં સરવે કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે ખૂટતી બાબતોનો રિપોર્ટ આપશે.

રિપોર્ટમાં હોસ્ટ તરીકે અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજ, રસ્તા, ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે. આ ઉપરાંત આ સુવિધાઓ ઊભી કરવા માટે જરુરી બજેટની જોગવાઇઓનું અનુમાન પણ એમાં કરવામાં આવશે. ફેબ્રુઆરી 2021માં અમદાવાદમાં વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની પણ જાહેરાત થઇ હતી.

અમદાવાદમાં જો ઓલિમ્પિકસ માટે મંજૂરી મળી તો તેના માટે વિશ્વસ્તરીય સ્ટેડિયમ, કડક સુરક્ષા વ્યવસ્થા અને હોટલ્સનું નિર્માણ કરવું પડશે. આ સિવાય સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી સરળતાથી જઈ શકાય એવું અદ્યતન ગેમ્સ વિલેજ બનાવવું પડશે. જો અમદાવાદ 2036ના ઓલિમ્પિક્સ માટે યજમાન બનશે તો તેનાથી અમદાવાદનો વિકાસ થશે, હજારો લોકોને રોજગાર અને બિઝનેસ મળશે. ટૂરિઝમને વેગ મળશે. ગુજરાત વર્લ્ડ મેપ પર મુકાશે. યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ બનશે. હોટલ, રિયલ એસ્ટેટ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે..