બ્રિટનમાં પહેલીવાર મૃતકોના હૃદયને મશીનથી જીવિત કરી 6 બ્રેનડેડ બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં, સફળ સર્જરી

February 22, 2021

લંડન : બ્રિટનના ડોક્ટરોએ પહેલીવાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું, એટલે કે તે મૃત જાહેર કરેલી વ્યક્તિઓનાં હતાં. અત્યારસુધીમાં 6 બાળકમાં આવાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયાં છે. આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ પહેલાં માત્ર એવી વ્યક્તિઓનાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું કે જેઓ બ્રેનડેડ જાહેર થયા હતા.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નિકમાં એક ડગલું આગળ વધ્યા છે. કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલના ડોક્ટરોએ ઓર્ગેનકેર મશીન દ્વારા મૃતક વ્યક્તિઓનાં હૃદયને જીવિત કરી એક નહીં, 6 બાળકોનાં શરીરમાં ધબકારા લાવી દીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.

એનએચએસના ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. જોન ફોર્સિથ કહે છે કે તેમની આ ટેક્નિક માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ટેક્નિકથી 12થી 16 વર્ષનાં 6 એવાં બાળકોને નવું જીવન મળ્યું છે કે જેઓ બે-ત્રણ વર્ષથી અંગદાન દ્વારા હૃદય મળે એની રાહ જોઈ રહ્યાં હતાં, એટલે કે લોકો હવે મરણોપરાંત વધુ હાર્ટ ડોનેટ કરી શકશે. હવે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં.

આ ટેક્નિક દ્વારા જે બે લોકોને સૌથી પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું એમાં બ્રિસ્ટલની ફ્રેયા હેમિંગ્ટન (14 વર્ષ) અને વોરસેસ્ટરની એના હેડલી (16 વર્ષ)નો સમાવેશ થાય છે. તે કહે છે કે તે હવે પહેલાંની જેમ હોકી રમી શકે છે. તેણે આગળ કહ્યું હતું તે હવે વધુ શક્તિશાળી થઈ છે અને પહાડ પર પણ ચઢી શકે છે.

એનએચએસના ડોક્ટરોએ ઓર્ગનકેર સિસ્ટમ મશીન બનાવ્યું છે. મૃત્યુ થયું હોવાનું જણાતાં ડોનરના હૃદયને તરત કાઢીને આ મશીનમાં મૂકી 12 કલાક તપાસવામાં આવે છે અને ત્યાર પછી જ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. ડોનર દ્વારા મળેલા હૃદયને જે દર્દીના શરીરમાં મૂકવાનું હોય તેના શરીરની જરૂરિયાત મુજબ ઓક્સિજન, પોષકતત્ત્વ અને એ ગ્રુપનું બ્લડ આ મશીનમાં રાખી હૃદયમાં 24 કલાક સુધી તેને પ્રવાહિત કરવામાં આવે છે.