ટી-20 વર્લ્ડ કપ માટે ઈનામી રકમનુ એલાન, વિજેતા ટીમને મળશે 12 કરોડ રુપિયા

October 10, 2021

નવી દિલ્હી-આઈસીસી ટી-20 વર્લ્ડ કપ માટેની ઈનામી રકમની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર એટલેકે 12 કરોડ રુપિયાનુ અને રનર્સ અપ ટીમને 8 લાખ ડોલર એટલે કે 6 કરોડ રુપિયાનુ  ઈનામ મળશે.સેમિ ફાઈનલમાં હારનારી બંને ટીમને ચાર-ચાર લાખ ડોલર એટલે કે 3 કરોડ રુપિયા આપવામાં આવશે.


કુલ મળીને આ વખતે વર્લ્ડકપમાં 5.6 મિલિયન ડોલર એટલે કે 42 કરોડ રુપિયા પ્રાઈઝ મની તરીકે આપવામાં આવશે.આઈસીસી દ્વારા સુપર 12 સ્ટેજ બાદ દરેક જીત પર ટીમોને બોનસ એવોર્ડ પણ આપવામાં આવશે.સુપર સ્ટેજ પર યોજનારી 30 મેચો માટે 1.20 કરોડ ડોલર આપવામાં આવશે.આ સ્ટેજ પર જ બહાર ફેંકાઈ જનારી ટીમને 70000 ડોલર આપવામાં આાવશે.

આ પહેલા રાઉન્ડ એકની મેચો રમાશે.જેમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ, ઓમાન, પાપૂઆ ન્યૂ ગિની, સ્કોટલેન્ડ અને શ્રીલંકાની ટીમોનો સમાવેશ થાય છે.જેમાંથી સુપર 12 સ્ટેજ માટે ચાર ટીમોની પસંદગી થશે. અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પહેલા જ સુપર 12 સ્ટેજમાં પહોંચી ચુકી છે.વર્લ્ડકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થવાનો છે.