ફોરેન્સિક તપાસમાં શ્રધ્ધાના શરીર પર મળ્યા કરવતના નિશાન

November 26, 2022

- આફતાબે શ્રધ્ધાના શરીરના કરવતથી તેના કર્યા હતા ટુકડા
નવી દિલ્હી- દેશને ચોંકાવી દેનાર શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ, આફતાબે કરવતથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. ફોરેન્સિક તપાસમાં આ વાત સામે આવી છે. તપાસમાં શ્રદ્ધાના શરીર પર કરવતના કટીંગના નિશાન પણ મળી આવ્યા છે. તે જ સમયે, શ્રદ્ધાના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ ટાઇલ્સ પર મળેલા લોહી અને હાડકાના સેમ્પલ સાથે મેચ થયા છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, જંગલમાંથી મળી આવેલા હાડકાઓ શ્રદ્ધાના છે. ફોરેન્સિક ટીમના સૂત્રોએ, દિલ્હી પોલીસને મૌખિક રીતે જાણ કરી છે, સંપૂર્ણ રિપોર્ટ આપવામાં થોડા દિવસો લાગી શકે છે. પોલીસ હવે એફએસએલના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર સાગર પ્રીત હુડ્ડા અનુસાર, શ્રદ્ધા હત્યા કેસમાં ડીએનએ ટેસ્ટ સંબંધિત સીએફએસએલ રિપોર્ટ મળ્યો નથી, હાલમાં ઔપચારિક રીતે રિપોર્ટ મળ્યા બાદ કેસ સંબંધિત માહિતી આપવામાં આવશે.


બીજી તરફ, પોલિગ્રાફ ટેસ્ટ દરમિયાન આરોપી આફતાબ અમીન પૂનાવાલા પાસેથી ચોંકાવનારી માહિતી મળી હતી. રોહિણી એફએસએલના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાને ગુસ્સામાં નહીં પરંતુ, કાવતરા હેઠળ માર્યા હતા. આ ઘટના પહેલા તેણે બોલિવૂડ ફિલ્મ 'દ્રશ્યમ' પણ જોઈ હતી. આફતાબે જણાવ્યું કે, તે દ્રશ્યમ પાર્ટ-2ની રાહ જોઈ રહ્યો હતો. શ્રધ્ધાની હત્યા કર્યા બાદ, તે વાર્તા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે ષડયંત્રના ભાગરૂપે શ્રદ્ધાની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી, તે શ્રદ્ધાના મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરતો રહ્યો અને આવા પુરાવા બનાવતો રહ્યો, જેથી પછીથી તેને નિર્દોષ સાબિત કરવામાં કોઈ મુશ્કેલી ન આવે. ગુરુવારે સાડા નવ કલાક સુધી ચાલેલા આફતાબના પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આ બાબતો સામે આવી હતી. દિલ્હી પોલીસ શ્રદ્ધા અને આફતાબની જૂની ચેટ રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.