પૂર્વ CJI રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકે લીધા શપથ

March 19, 2020

નવી દિલ્હી : સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે 12મો દિવસ છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. આ દરમિયાન વિપક્ષના કેટલાક સાંસદોએ હોબાળો પણ કર્યો. કેટલાક સાંસદોએ શેમ-શેમના સૂત્રોચ્ચાર કર્યા. 

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકેના શપથ લીધા. શપથગ્રહણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. પૂર્વ ચીફ જસ્ટી રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં છે. કેન્દ્ર સરકાર તરફથી સોમવારે મોડી સાંજે નોટિફિકેશન જાહેર કર્યું હતું.

તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ તરફથી રાજ્યસભામાં 12 સભ્ય નોમિનેટ કરવામાં આવે છે. સભ્ય જુદાં-જુદાં ક્ષેત્રોની કોઈ પણ નામીઅનામી હસ્તિઓ હોય શકે છે. તેવામાં હવે રાષ્ટ્રપતિએ પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને રાજ્યસભાના સભ્ય બનાવવા માટે પસંદ કર્યાં છે. રંજન ગોગોઈ 17 નવેમ્બર 2019ને CJIના પદ પરથી નિવૃત્ત થયાં હતા. આ પદ પર તેમનો કાર્યકાળ લગભગ સાડા 13 મહિનાનો રહ્યો.