પાકિસ્તાનના પૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફનું અવસાન

September 15, 2022

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ  ICC એલિટ અમ્પાયર અસદ રઉફ (Asad Rauf)નું 66 વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થઈ ગયું છે. આ ખબર સામે આવતા જ પાકિસ્તાન ક્રિકેટ શોકમાં ડુબ્યું છે. થોડા દિવસ પહેલા જ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ લાહોરમાં લાંડા બજારમાં એક ચંપલ અને કપડાની દુકાન ચલાવી રહ્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે અસદ રઉફના આકસ્મિક નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.તમને જણાવી દઈએ કે, વર્ષ 2013માં BCCIએ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો કારણ કે, IPLની ડિસિપ્લિનરી એક્શન ટીમને જાણવા મળ્યું હતું કે, અસદ રઉફે બુકી પાસેથી મોંઘી ગિફ્ટ લીધી હતી અને IPLમાં ફિક્સિંગમાં સામેલ હતો. જોકે, તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફ જેમણે 2000 અને 2013 વચ્ચે 231 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેમની અમ્પાયરિંગ પણ ઘણી સારી હતી. વર્ષ 1998માં રઉફે અમ્પાયરિંગમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. અમ્પાયરિંગ કરવા પહેલા રઉફે પાકિસ્તાનમાં એક સ્થાનિક ક્રિકેટરના રૂપમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. 1980ના દાયકામાં તેઓ જમણા હાથના બેટ્સમેનના રૂપમાં મોટા બેટ્સમેન તરીકે ઓળખાયા. તેમની 71 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેણે 3,423 રન બનાવ્યા અને 40 લિસ્ટ-એ મેચોમાં 611 રન બનાવવામાં સફળ રહ્યા હતા.