યુકેમાં કોરોના વાઇરસના નવા ખતરનાક સ્વરૂપના બે કેસ મળ્યા

November 28, 2021

બ્રિટનમાં કોરોના વાઇરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. બ્રિટનના આરોગ્યમંત્રી સાજીદ જાવેદે શનિવારે કહ્યું હતું કે ચેમ્સફોર્ડ અને નોટિંઘમમાં આ નવા દર્દી મળી આવ્યા છે. આ બંને કેસ એકબીજા સાથે જોડાયેલા છે. આ બંને દર્દીઓને કોરન્ટાઈન કરાયા છે. તેમણે કહ્યું કે આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. સાજીદ જાવેદે પોતાની ટ્વિટમાં કહ્યું  હતું કે આ બંને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા છે. સાવચેતીના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. બ્રિટને દ.આફ્રિકા, નામિબિયા, બોટ્સવાના ઉપરાંત હવે અંગોલા, મિયાવી અને જામ્બિયાને પણ રેડ ઝોનમાં મૂકી દીધું છે. બેંગ્લુરુમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા બેને કોરોના, ઓમિક્રોન નથી.

બેંગ્લુરુઃ બેંગ્લુરુમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા બે નાગરિકોને કોરોના થયો હોવાનો બહાર આવ્યું છે. તેમના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે અને નમૂનાની સઘન તપાસ કરાઈ રહી છે. જો કે આ બંનેને ઓમિક્રોન નથી તેમ છતાં તેમને કોરન્ટાઈન કરાયા છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, બ્રાઝિલ : યુએસ, કેનેડા, બ્રાઝિલે તેમના નાગરિકો અને કાયમી રહેવાસીઓ માટે અને જીવનસાથીઓ અને અન્ય નજીકના પરિવારો સહિત અન્ય કેટલીક શ્રોણીઓ માટે અપવાદો સાથે આ દેશોમાંથી મુસાફ્રી પ્રતિબંધ મૂક્યો છે.

સાઉદી અરેબિયા : સાઉદી અરેબિયાએ નવા કોરોના વાઇરસ વેરિઅન્ટને લગતી ચિંતાઓને કારણે દક્ષિણ આફ્રિકા, નામિબિયા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, લેસોથો અને એસ્વાટિનીની ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.