ચાર રાજયોએ ફયૂઅલ પરનો ટેકસ ઘટાડી રાહત આપી

February 23, 2021

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલના વધતા જતા ભાવની અસર દેશમાં પણ પડી છે. ભારત પોતાની કુલ જરુરીયાતનું ૮૦ ટકાથી વધુ ક્રુડ ઓઇલ આયાત કરતું હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી ફયૂઅલના ભાવો કુદકે ને ભૂસકે વધી રહયા છે આમ તો ૩૦ થી ૩૫ પૈસામાં વધે છે પરંતુ લાંબા સમયે તે મોટી રકમનો ભાવ વધારો બને છે આથી દેશમાં ઘણા સ્થળોએ લિટર પ્રેટ્રોલના ભાવ ૧૦૦ રુપિયાને આંબી ગયા છે. ભારતમાં આયાત થતી પેટ્રોલિયમ પેદાશોના વેચાણ પર એકસાઇઝ ડયૂટી અને અન્ય ટેકસ વધારે હોવાથી ફયુઅલનો ભાવ વધી જાય છે. લોકો ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠતા કેટલાક રાજયોએ ફયુઅલ પરનો ટેકસ ઘટાડવા મજબૂર થવું પડયું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકિય માહોલ જામી રહયો છે. ગત રવીવારે રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બંને ફયૂઅલ પરના વેટમાં પ્રતિ લિટરે ૧ રુપિયાનો ઘટાડો કર્યો છે. અસમ સરકારે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને ૫ રુપિયા વધારાના ટેકસ પેટે જોડયા હતા તે દૂર કર્યા છે. 
પૂર્વોત્તર રાજય મેઘાલયમાં રાજય સરકારે પેટ્રોલ પર ૭.૪ અને ડીઝલ પર ૭.૧ રુપિયા ટેકસ ઘટાડો કર્યો છે. રાજસ્થાન સરકાર ગત મહિને પેટ્રોલ અને ડીઝલ પરના વેટ પર ૨ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી ચુકી છે જો કે નવાઇની વાત તો એ છે કે તેમ છતાં દેશમાં લિટર પ્રેટ્રોલનો ૧૦૦ રુપિયાનો આંક પહેલા રાજસ્થાનમાં પાર થયો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના જે રાજયોમાં ફયૂઅલનો ભાવ  કેટલાક સ્થળોએ ૧૦૦ રુપિયાની નજીક છે કે આંબી ગયો છે ત્યાં પણ ટેકસ ઘટાડીને કોરોનાકાળમાં લોકોને રાહત આપે તેવી માંગ થઇ રહી છે.