ફિકસરો કેપ્ટન પર વધારે ફોકસ કરે છે,ટી-20 ફોર્મેટ ફિક્સિંગ માટે ફેવરિટઃ ICCના એન્ટી કરપ્શન યુનિટ હેડ

November 16, 2021

નવી દિલ્હી: ક્રિકેટ અને ફિક્સિંગનો વિવાદ બહુ જુનો છે. છાશવારે મેચ ફિક્સિંગના આરોપો પણ સામે આવતા જ રહેતા હોય છે. ફિકિસંગને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બનાવાયેલા એન્ટી કરપ્શન યુનિટના હેડ એલેક્સ માર્શલે હવે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ફિક્સિંગ કરવા માંગતા સટ્ટેબાજો ટીમના કેપ્ટન પર ફોકસ કરતા હોય છે.તેઓ કેપ્ટનની નજીકના લોકો સાથે સબંધ કેળવતા હોય છે. તેમણે કહ્યુ હતુ કે, સટોડિયાઓને કેપ્ટન ઉપરાંત ઓપનિંગ બેટસમેન અને ઓપનિંગ બોલર્સ વધારે પસંદ આવતા હોય છે.ફિક્સરો માટે ટી-20 સૌથી પસંદગીનુ ફોર્મેટ છે.જ્યાં તેઓ બે થી ચાર ઓવરની રમતને ટાર્ગેટ કરતા હોય છે.મેચનુ રિઝલ્ટ, નો બોલ કે ટોસ પર નહીં પણ મેચની વચ્ચે કેટલીક બાબતોને બદલવાનો પ્રયાસ સટોડિયાઓ કરતા હોય છે. માર્શલે કહ્યુ હતુ કે, ફિક્સિંગ કરનારાઓએ પોતાનો એપ્રોચ હવે બદલ્યો છે.કારણકે પ્લેયર્સ હવે અમારી પાસે આ તમામ પ્રકારની વાતો શેર કરવા માંડયા છે.તેઓ કોઈ જૂના પ્લેયર કે ટીમ મેનેજર થકી કેપ્ટન પાસે જવા પ્રયત્ન કરે છે.ખાસ કરીને ફ્રેન્ચાઈઝીઓની ટીમોની ટુર્નામેન્ટમાં ફિક્સરો દ્વારા આ પ્રકારના પ્રયત્નો થતા હોય છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં સટ્ટાબાજી કાયદેસર નથી એટલે ત્યાં આવી બાબતોને પકડવી  મુશ્કેલ છે.ફિક્સરો નાની લીગ ટુર્નામેન્ટો પર વધારે ફોકસ કરી રહ્યા છે.કારણકે ત્યાં તેમના પર ઓછી નજર રખાતી હોય છે.તાજેતરમાં યુરોપિયન લીગમાં ખેલાડીઓને ખરાબ દેખાવ કરવા માટે 3000 યુરો અપાતા હોવાનો મામલો સામે આવ્યો હતો.