મંદિર નિર્માણ માટે જમીન સમતલ કરતી વખતે દેવી-દેવતાની ખંડિત મૂર્તિઓ અને કોતરણીવાળા પથ્થરોના સ્તંભ મળી આવ્યા

May 21, 2020

અયોધ્યા. દેશભરમાં જારી લોકડાઉનના ચોથા તબક્કામાં કન્સ્ટ્રક્શનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદ અયોધ્યામાં 67 એકર જમીન પર રામ મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ ગઈ છે. મંદિર નિર્માણ માટે જમીન સમતલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન અહીં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ અને કોતરણી કરેલા સ્તંભોના અવશેષો મળી આવ્યા છે. રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી જમીનને સમતલ કરવા અને બેરીકેડિંગ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય છે. અત્યાર સુધીમાં જ્યાં-જ્યાં પણ ખોદીને જમીન સમતલ કરવામાં આવી છે તેની આજુબાજુમાંથી મોટા પ્રમાણમાં ખંડિત થયેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ, પુષ્પ કળશ, કલાકૃતિઓ નિકળી છે. અત્યાર સુધીમાં બ્લેક ટચ સ્ટોનના સાત સ્તંભો, છ રેડસેન્ડ સ્ટોનના સ્તંભો, પાંચ ફૂટ કલાત્મક શિવલિંગ અને મેહરાબના પથ્થર મળ્યા છે.

ચંપત રાયે કહ્યું કે ડીએમ એકે ઝાએ આ કામની મંજૂરી આપી છે. નિર્માણ કાર્ય દરમિયાન કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી સુરક્ષાના માપદંડોની પૂરતી કાળજી રાખવામાં આવી છે.