ફ્રેન્ચ લીગ-૧: માર્સેલ અને પીએસજીના ખેલાડીઓ વચ્ચે મારામારી

September 15, 2020

પેરિસઃ ફ્રેન્ચ લીગ-૧ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં માર્સેલ તથા પેરિસ સેન્ટ જર્મેન ક્લબના ખેલાડીઓ વચ્ચે મેદાનમાં મારામારી થઇ હતી અને નેમાર સહિત પાંચ ખેલાડીઓને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. રવિવારે રમાયેલા આ મુકાબલામાં અલવારો ગોન્ઝાલેઝને પીએસજીના ખેલાડી નેમારે લાફો મારતા તેને રેડ કાર્ડ આપ્યું હતું. જોકે તેણે ગોન્ઝાલેન્ઝ સામે રંગભેદની ટીકા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ રેફરી વીડિયો રિવ્યૂ જોયા બાદ નેમારને મેદાનની બહાર કરી દીધો હતો. ૯૦ મિનિટમાં બંને ટીમ તરફથી કુલ ૩૬ ફાઉલ થયા હતા અને ૧૨ ખેલાડીઓને યલો કાર્ડ અપાયા હતા. માર્સેલ ક્લબે પીએસજીને ૧-૦થી પરાજય આપ્યો હતો. બીજા હાફના ઇન્જરી ટાઇમમાં માર્સેલના દારિયો બેનેડેટ્ટો, લિયાન્ડ્રો પેરેડેસ વચ્ચે બોલાચાલી થઇ હતી. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ દરમિયાન નેમારે માર્સેલના ડિફેન્ડર ગોન્ઝાલેઝને લાફો મારી દીધો હતો.  બીજી તરફ પીએસજીના કુરઝાવા અને જોર્ડન અવામી વચ્ચે ધક્કામુક્કી શરૂ થઇ હતી. ગણતરીની સેકન્ડોમાં બંને ટીમો મારામારીમાં સામેલ થઇ ગઇ હતી. રેફરી જેરોમ બ્રિસર્ડે વિવાદને શાંત કરાવ્યો હતો અને પીએસજીના ત્રણ ખેલાડીઓ નેમાર, કુરઝાવા તથા પેરેડસને રેડ કાર્ડ આપીને મેદાનની બહાર મોકલી દીધા હતા. માર્સેલના પણ બે ખેલાડીઓને પણ રેડ કાર્ડ અપાયું હતું.