'મિત્ર મોદી'એ કહ્યું છે કે અમદાવાદમાં 70 લાખ લોકો મારૂ સ્વાગત કરશે : ટ્રમ્પ

February 13, 2020

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારતની મુલાકાત માટે આવી રહ્યા છે. ૨૪મી તારીખે ટ્રમ્પ ભારત આવે તે પહેલા તેમણે ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. સાથે કહ્યું હતું કે મોદી મારા મિત્ર છે અને હું ભારત આવવા માટે આતુર છું. ટ્રમ્પે સાથે એમ પણ દાવો કર્યો હતો કે મોદીએ મને કહ્યું છે કે મારુ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે અમદાવાદમાં લાખો લોકો એકઠા થશે. એરપોર્ટથી ન્યૂ મોટેરા સ્ટેડિયમ સુધી ૫૦થી ૭૦ લાખ લોકો મારુ સ્વાગત કરશે તેમ મોદીએ મને કહ્યું છે. 

અગાઉ પણ મોદી અને ટ્રમ્પ મળી ચૂક્યા છે પણ તે મુલાકાતો વિદેશમાં અથવા અમેરિકામાં થઇ છે જ્યારે પહેલી વખત ભારતમાં બન્ને દેશના વડાઓ મળવા જઇ રહ્યા છે જેની પુરી તૈયારીઓ ચાલી રહી છે. ભારત મુલાકાત અંગે જ્યારે ટ્રમ્પને એક સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે હાલમાં જ મોદી અને મારી વચ્ચે વાતચીત થઇ છે. 

ટ્રમ્પે હળવા મૂડમાં મજાકીયા અંદાજમાં કહ્યું હતું કે જ્યારે મોદી અમેરિકા આવ્યા હતા ત્યારે તેમના કાર્યક્રમ હાવડી મોદીમાં ૪૦થી ૫૦ હજાર લોકો જ હતા, મારી સમસ્યા એ છે કે હવે જ્યારે હું અમદાવાદ જઇશ ત્યારે મારા સ્વાગત માટે ૫૦થી ૭૦ લાખ લોકો હશે તેમ મોદીએ મને કહ્યું છે, હું મોદીના કાર્યક્રમમાં આટલા લોકો એકઠા ન કરી શક્યો તેને લઇને બહુ ખુશ નથી. ટ્રમ્પે બાદમાં કહ્યું કે મોટેરા સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે અને મોદી તેનું નિર્માણ કરાવી રહ્યા છે. આ સ્ટેડિયમ લગભગ તૈયાર છે અને તે દુનિયામાં સૌથી મોટુ છે તેમ ટ્રમ્પે કહ્યું હતું. 

મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે મોદી જેન્ટલમેન છે, તેઓ મારા સારા મિત્ર છે. અમેરિકા ભારત સાથે જે વ્યાપાર વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત લાવવા માટે પણ ઉસ્તુક છે. ટ્રમ્પ ૨૪મીએ ભારત આવી રહ્યા છે, તેમની સાથે તેમના પત્નિ પણ આવી રહ્યા છે. બન્ને અમદાવાદ, દિલ્હી આવશે. આ દરમિયાન અમદાવાદમાં તેઓ ગાંધી આશ્રમ પણ જઇ શકે છે. સાથે તેમના સ્વાગત માટે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.