આજથી ઇંગ્લેન્ડ વિ. પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમેચ

August 05, 2020

માન્ચેસ્ટરઃ કોરોના વાઇરસની મહામારીની વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ ઇંગ્લેન્ડ હવે પોતાના જ ઘરઆંગણે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ શ્રેણી રમશે. બંને ટીમો વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલા બુધવારથી રમાશે. ઇંગ્લેન્ડની ટીમ ૧૦ વર્ષથી પોતાના ઘરઆંગણે પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. જોકે છેલ્લા છ વર્ષથી ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હાર્યું પણ નથી. ઇંગ્લેન્ડ છેલ્લે ૨૦૧૦ના જુલાઈમાં પાકિસ્તાન સામે ૩-૧થી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીત્યું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ચાર ટેસ્ટ શ્રેણી રમાઈ છે. તેમાંથી ૨૦૧૨ તથા ૨૦૧૫મા પાકિસ્તાને યુએઇમાં બે સિરીઝ જીતી હતી. ૨૦૧૬ તથા ૨૦૧૮માં ઇંગ્લેન્ડની ધરતી ઉપર રમાયેલી બે ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે છેલ્લા છ વર્ષથી કોઈ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન ઇગ્લેન્ડે ૧૨માંથી આઠ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે અને ચાર ડ્રો રહી હતી. પાકિસ્તાન સામે અત્યાર સુધી રમેલી ૮૩ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ૨૫ વિજય હાંસલ કર્યા છે. ૨૧ મેચમાં તેનો પરાજય થયો હતો ઘરઆંગણે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૫૩ ટેસ્ટમાં ૨૩ વખત પરાજય આપ્યો છે. ૧૨ મેચમાં ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો.