UPથી દિલ્હી સુધી રાજકિય ગરમાવો : ટૂંક સમયમાં જ થઈ શકે છે કેબિનેટનું વિસ્તરણ

June 10, 2021

લખનઉ : રાહુલ ગાંધીના નજીકના ગણાતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા તેના એક દિવસ બાદ ઉત્તર પ્રદેશમાં રાજકિય માહોલ વધારે ગરમાયો છે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અચાનક બે દિવસ માટે દિલ્હીનો પ્રોગ્રામ બનાવી લીધો છે.

સાંજે ચાર વાગે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં આશરે દોઢ કલાક સુધી તેમની બેઠક યોજાઈ હતી. દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. યોગી પણ આજે નડ્ડાને મળશે. ત્યારબાદ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. એવી માહિતી મળી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણ અને આગામી વર્ષે યોજનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી મુદ્દે યોગીની આ મુલાકાત યોજાઈ રહી છે.

અત્યારે અમિત શાહ સાથે અપના દળ(એસ)ની અધ્યક્ષ સાંસદ અનુપ્રિયા પટેલની બેઠક યોજાઈ છે. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણના મુદ્દે મિર્ઝાપુરની સાંસદ અનુપ્રિયા પોતાની વાત શાહ સમક્ષ રજૂ કરી શકે છે.

થોડા દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષ અને પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહે ઉત્તરપ્રદેશમાં સંગઠન અને સરકારના કામકાજની સમીક્ષા કરી હતી. અનેક મંત્રીઓ સાથે મુલાકાત બાદ તેમની નારાજગી જાણી હતી. સંગઠન સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી હતી. એ બાદ તેમણે આ અંગેનો સમગ્ર રિપોર્ટ 5 અને 6 જૂને દિલ્હીમાં થયેલી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે શેર કર્યો હતો. એ બાદ નડ્ડા અને બીએલ સંતોષ આ રિપોર્ટને લઈને PM મોદીની પાસે પહોંચ્યા હતા. તેમને આખો રિપોર્ટ સોંપી દેવાયો છે.

 CM યોગી દિલ્હી પહોંચતાં જ ફરી એક વખત યુપીમાં કેબિનેટના વિસ્તરણને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ, યોગી યુપી પરત ફરશે, એ બાદ આ અંગે કોઈ જાહેરાત થઈ શકે છે. સરકારમાં અનેક નવા ચહેરાઓને જગ્યા મળી શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને સંગઠનમાં પણ જવાબદારી આપવામાં આવી શકે છે. તમામ નિગમ, આયોગ અને બોર્ડનાં પદ પણ ભરવાનાં છે.