મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ, પૂજાની વિધિ વિશે જાણો

May 11, 2022

12 મે એટલે કે ગુરુવારે વૈશાખ સુદ એકાદશી છે. પુરાણોમાં આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. સ્કંધ પૂરાણના વૈષ્ણવખંડ અનુસાર, આ દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયો હતો અને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. એકાદશીનું વ્રત કરનાર લોકોએ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમની રાતથી જ વ્રતનું નિયમનું પાલન કરવું જોઈએ. આ વ્રતમાં ફક્ત ફરાળ જ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુએ મોહિની એકાદશીના દિવસે મોહિની રૂપ ધારણ કર્યું હતું. આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની મોહિનીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે વિષ્ણુ ભગવાનની વિધિ-વિધાન સાથે પૂજા અને નિયમ મુજબ વ્રત કરવાથી નેગેટિવિટી દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ આ વ્રત કરવાથી ધન,યશ, વૈભવ વધે છે. ઘરમાં સુખ શાંતિ રહે છે.

માન્યતા છે કે, આ વ્રત કરવાથી વારંવાર જન્મ લેવાના ચક્રમાંથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. મન અને શરીર સંતુલિત થાય છે. ગંભીર બીમારીઓથી રક્ષા મળે છે. વ્રત રાખનાર વ્યક્તિ મોહમાયા અને બંધનમાંથી મુક્ત થઇ જાય છે.

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરો. જો શક્ય હોય તો ગંગાજળ પાણીમાં નાખીને સ્નાન કરો. આ બાદ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાનની પૂજા કરવી જોઈએ.

ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો કરો અને બાદમાં વ્રતનો સંકલ્પ લો. એક કળશ પર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરો. કળશ પર વિષ્ણુની મૂર્તિ રાખો. મૂર્તિને અભિષેક કરીને શુદ્ધ કરીને નવા વસ્ત્રો પહેરાવો.

પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પંચામૃત અને તુલસીના પાન ચઢાવવા જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા અને સુગંધિત ફૂલોથી શૃંગાર કરો. ત્યારબાદ દિવા અને અગરબત્તીથી આરતી કરો. મીઠાઈઓ અને ફળોનો ભોગ લગાવો.

એક દંતકથા પણ છે કે, જ્યારે દેવસુર યુદ્ધ થયું ત્યારે દેવતાઓએ રાક્ષસ રાજા બલિ દ્વારા પરાજિત કરી અને તેમની પાસેથી સ્વર્ગ છીનવી લીધું. જ્યારે દેવરાજ ઈન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે સમાધાન માટે પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને ક્ષીરસાગરમાં વિવિધ રત્નોના અસ્તિત્વની જાણકારી આપી હતી. આ સાથે જ કહ્યું કે સમુદ્રમાં અમૃત પણ છુપાયેલું છે. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઈન્દ્રને દેવો અને અસુરો માટે સમુદ્ર મંથન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ બાદ ઇન્દ્ર ભગવાન વિષ્ણુનો પ્રસ્તાવ લઈને દૈત્યરાજ બલિ પાસે ગયા હતા અને સમુદ્ર મંથન માટે રાજી કરી લીધા હતા. આ બાદ ફરી ક્ષીરસાગરમાં સમુદ્ર મંથન થયું હતું જેમાં કુલ 14 રત્ન મળ્યા હતા. જેમાં ધન્વંતરિ વૈદ્ય તેમની અંદર અમૃત કળશ લઈને પ્રગટ થયા હતું. આ અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું.

તે સમયે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપે અવતાર લીધો અને તેમને દેવતાઓને છેતરીને અમૃત પીવડાવી દીધું હતું. જેનાં કારણે દેવતાઓ અમર થઈ ગયા હતા. જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. તે દિવસે વૈશાખ માસની એકાદશી તિથિ હતી. તેથી જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે.