યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા ડીંગુચાના મૃતકોની અંતિમક્રિયા કેનેડામાં કરાશે

January 28, 2022

- કેનેડાની મેનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે કરી ઓળખ
- પરિવાર ડિંગુચાનો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી
- મૃતકના વતન ડિંગુચામાં શોકનો માહોલ, ગામમાં સ્વયંભૂ બંધ
કલોલ- કેનેડાથી અમેરિકા બોર્ડર ઓળંગવા જતા ઠંડીના કારણે મોતને ભેટેલા પટેલ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહોને ભારતમાં નહિ લાવવામાં આવે. ચારેયની અંતિમક્રિયા કેનેડામાં જ કરવામાં આવશે. મૃતકના સગા સબંધીઓની હાજરીમાં હિન્દુ રિતી અને રિવાજ મુજબ ચારેય મૃતકોની અંતિમક્રિયા કેનેડામાં કરવામાં આવનાર હોવાનું પરિવારના સુત્રોએ આજરોજ વિગતમાં જણાવ્યું હતું. ડિંગુચા ગામના એકજ પરિવારના ચાર લોકોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત નીપજતા ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. સમગ્ર ગામ શોકમાં ડુબી ગયું  છે. વધુમાં  મૃતકોના માનમાં આવતીકાલે શનિવારે સમસ્ત ગ્રામજનો સ્વયંભૂ બંધ પાળશે તેમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. તેમજ મૃતકોના અગ્નિસંસ્કાર થઈ ગયા બાદ સમસ્ત ગ્રામજનો ધ્વારા મૃતકોને શ્રાધ્ધાંજલી આપવામાં આવશે.


અમેરિકા કેનેડા બોર્ડર પર ગત તા. 19ના રોજ 4 મૃતદેહો મળી આવ્યા હતા. આ લોકો કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના હતા. પણ માઈનસ 35 ડીગ્રીની કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી તેમના મોત નીપજ્યા હતા. આ ચારેય એકજ પરિવારના હતા. કલોલના ડિંગુચા ગામના વતની હોવાની ઓળખ કેનેડાની પોલીસે કરી છે અને તેની માહિતી ભારતના હાઈકમિશનને આપી હતી. ચારેયની ઓળખ થતા મૃતકના વતન ડિંગુચામાં ઘેરા શોક સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે. ગામમાં હાલના તબક્કે પણ કોઈ ખુલીને બોલવા માટે તૈયાર નથી.
ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મોતને ભેટનાર આ ચારેય કલોલના ડિંગુચાના વતની જગદીશ બળદેવભાઈ પટેલ (ઉ.વ. 39) તથા વૈશાલીબેન જગદીશકુમાર પટેલ (ઉ.વ. 37) તથા વિહંગી જગદીશકુમાર પટેલ (ઉ.વ. 11) અને 3 વર્ષનો ધાર્મિક જગદીશકુમાર પટેલ હોવાની સત્તાવાર વિગતો જાહેર થઈ છે. અમેરિકા- કેનેડાની બોર્ડર પર ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચાના ચાર લોકોના મોત નીપજ્યા હોવાની ચર્ચાથી સરકારની એજન્સીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ચારેયની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમની જરૂરી વિગતો એકત્ર કરવામાં આવી રહી હતી. આ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના હોવાથી કોઈ એજન્ટોએ તેમને મોકલ્યા હોવાની લીંકથી પોલીસે કેટલાક એજન્ટોની પણ કચેરીએ લાવી પૂછતાછ હાથ ધરી હતી.

મૃતક પરિવારની ઓળખ કરવા માટે કેનેડાની પોલીસે તપાસ ચલાવી હતી. અને ગતરોજ કેનેડાની પોલીસે ભારતના હાઈ કમિશનને ચારેયની ઓળખ કરી તેમના નામની પુષ્ટિકરી હતી. અને તે ડિંગુચાના ગુમ પરિવારના સભ્યો હતા તેવી ઓળખ થવા પામી હતી. મૃતક પરિવાર ડિંગુચાનો  હોવાની તેમના પરિવારજનોને જાણ થતા તેમના પર દુઃખનો પહાડ તુટી પડયો હતો. અને ગામમાં પણ ઘેરા શોકની લાગણી ફરી વળી હતી આ કરૂણ ઘટનાને પગલે તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.  મૃતકના સ્નેહીજનો તેમના વતન ડિંગુચા ગામે દોડી આવ્યા હતા. આજે જ્યારે ભારતીય હાઈકમિશને સત્તાવાર પુષ્ટિ કરી છે ત્યારથી ડિંગુચા ગામમાં ગમગીની  છવાઈ ગઈ છે. એક પરિવાર કેટલાય અરમાનો સાથે લઈને વિદેશની ધરતી પર પહોંચ્યો હતો. પરંતુ અંતિમ સમયે સ્વદેશની ધરતી પણ નસીબ નહી થતાં પરિવાર કંપી ઉઠયો છે.