માધવસિંહ સોલંકીની આજે અમદાવાદમાં અંતિમવિધિ

January 10, 2021

ગાંધીનગરઃ ગુજરાતના ચાર વખત મુખ્યમંત્રી અને ભારત સરકારમાં આયોજન મંત્રી, વિદેશ મંત્રીની જવાબદારી સંભાળનારા ૯૪ વર્ષના માધવસિંહ સોલંકીએ શનિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ ૧૯૭૦-૮૦ના દાયકામાં ગુજરાતની રાજનીતિને બદલનારા કોંગ્રેસના આ દિગજ્જ નેતાનું અવસાન થતા ગાંધીનગર સ્થિત સેક્ટર-૧૯માં જાહેરક્ષેત્રના અનેક નાગરિકો, આગેવાનો દોડી આવ્યા હતા. બાદમાં વી.એસ. સ્મશાનગૃહમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમના અવસાનથી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત રાજકિય, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનોએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ સરકારી કાર્યક્રમો રદ કરી તત્કાળ મંત્રી મંડળની બેઠક બોલાવીને ઠરાવ પ્રસાર કર્યો હતો. રાજ્યમાં રાજકીય શોક જાહેર કર્યો હતો. બાદમાં તેઓ સેક્ટર-૧૯ સ્થિતિ નિવાસસ્થાને જઈને સ્વ. મુખ્યમંત્રીના નશ્વરદેહને પુષ્પાંજલી અર્પણ કર્યાં હતા. ગુજરાતમા ખામ થિયરીના સર્જક અને તેના બળે વિધાનસભામાં કોંગ્રેસની ૧૪૯ બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપનાર માધવસિંહ સોંલકીના અવસાનથી ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના પુત્ર ભરતસિંહ સોંલકી વિદેશ હોવાથી તેઓ આવતીકાલે આવશે. ગુજરાતના આ મહારથીને અંતિમ વિદાય આપવા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, રાજસ્થાન, છત્તીસગઢના CM સહિત અનેક નેતાઓ રવિવારે આવશે તેવી શક્યતા છે.