હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7ના મોત, 1ની હાલત ગંભીર

September 25, 2024

હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર: અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. વાહન ચાલકોને સાવધાની રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.