ગાંધીનગર: બાળકને તરછોડવા મામલે પોલીસના હાથે લાગ્યો અગત્યનો પુરાવો

October 11, 2021

ગાંધીનગર: શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગરના પેથાપુર નજીક આવેલી સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ નજીક તરછોડાયેલી હાલતમાં મળી આવેલા બાળક કેસમાં તપાસ કરી રહેલી પોલીસના હાથમાં વધુ એક પુરાવો લાગ્યો છે. જેમાં બાળકને તેના પિતા સચિન જ તરછોડવા માટે લઈને આવ્યા હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.


વડોદરાથી ગાંધીનગર જતા ટોલ બૂથ પર CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આરોપી સચિન દીક્ષિતે જ બાળકને સીટ બેલ્ટ બાંધીને બાજુની સીટ પર સૂવડાવ્યો હતો. પ્રેમિકાને મોતને ઘાટ ઉતાર્યા બાદ બાળકને તરછોડવા મામલે આરોપી સચિન દીક્ષિત વિરુદ્ધ એક પછી એક પુરાવા હાથ લાગી રહ્યાં છે. બીજી તરફ પોલીસ પણ તપાસમાં કંઈ કાચુ છોડવા નથી માંગતી. આજે પોલીસે આરોપી પાસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.


આ માટે પોલીસ દ્વારા સચિન દીક્ષિતને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં સચિન દીક્ષિતને પેથાપુરની ગૌશાળામાં લવાયો હતો, જ્યાં બાળકને ત્યજવા સમયની સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પેથાપુર ખાતે માસૂમ બાળકને તરછોડવા અને તેની માતાની હત્યા કેસમાં મુખ્ય આરોપી એવા સચિન દીક્ષિતને 14 ઑક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.


હાલ આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. આરોપી સચિન બરોડાથી ક્યાં ગયો? ગાંધીનગર કેવી રીતે પહોંચ્યો અને કોની સાથે હતો? તેના પુરાવા અને સાક્ષીઓની જુબાની બાકી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને બોપલમાં પણ તપાસ બાકી હોવાથી પોલીસે સચિનના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે મંજૂર કરવામાં આવતા સચિન 14 ઓક્ટોબર બપોરે 2 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે. આટલું જ નહીં, ગાંધીનગરના કોઈ વકીલ સચિન દીક્ષિતનો કેસ નહીં લડે. આખરે સરકારી કાનૂન સહાય કેન્દ્ર તરફથી તેને સહાય આપવામાં આવી છે.