લોકડાઉનમાં ઘર બહાર નીકળનારાને બીડની ગ્રામપંચાયત દ્વારા ગદર્ભ સવારીની 'શિક્ષા'

April 04, 2020

મુંબઇ : કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટેના લોકડાઉનમાં લોકોને ઘરની બહાર નીકળતા રોકવા મહારાષ્ટ્રના એક ગામડાના લોકોએ એસાધારણ શિક્ષાનો કિમીયો અમલમાં મૂક્યો છે. તે મુજબ, વાજબી કારણ વગર વારંવાર ઘરની બહાર નીકળતાં ઝડપાયેલા લોકોી ગામમાં ગદર્ભ સવારી કાઢવામાં આવે છે. અર્થાત આવા લોકોને ગધેડા પર બેસાડી ગામમાં ફેરવવામાં આવે છે.

આ અબોલ પ્રાણીનો આ રીતનો ઉપયોગ નિંદનીય છે પણ કોરાનાની ઘાતકતા અને લોકોની અનુશાસનહીનતા જોઇને ગ્રામજનોએ ન છૂટકે આ માર્ગ અપનાવ્યો લાગે છે. બીડ જિલ્લાના કેજ તાલુકાના તાકલી ગામની ગ્રામ પંચાયતને ૨૯મી માર્ચે કસૂરવારને આ શિક્ષા કરવાનો નિર્ણય લીધો હતો.

કોરોનાને ફેલાતો અટકાવવા ઘરની બહાર નહી નીકળવાની મહારાષ્ટ્ર સરકારની એડવાઇઝરી (સલાહકારી નોંધ)ની વિરુદ્ધમાં જઇને લોકોને રસ્તાઓ પર જમા થતા અટકાવવાનો આ શિક્ષા પાછળનો ઉદેશ છે.

ગ્રામ પંચાયતના નિયમ મુજબ હરફર પરના નિયંત્રણોનું પ્રથમ વખત ઉલ્લંઘન કરનારી વ્યક્તિને રૂ. ૫૦૦નો દંડ કરવામાં આવશે. પરંતુ ત્રણ વખત ઉલ્લંઘન કરવામાં આવશે તો તે વ્યક્તિને ગધેડા પર બેસાડી તેને ગામમાં ફેરવવામાં આવશે એમ ગ્રામપંચાયતને કરેલી સત્તાવાર જાહેરાતમાં જણાવાયું હતું.

લોકોએ ઘરમાં જ રહીને સહકાર આપવો જોઇએ એમ આ ઘોષણામાં જણાવાયું હતું. 

આ ગામના સરપંચ વિષ્ણુ ઘુલેએ કહ્યું હતું કે ગ્રામ પંચાયત તથા સૌ ગ્રામજનોએ મળીને આવી શિક્ષાનો નિર્ણય કર્યો છે.