બિમારીમાંથી સ્વસ્થ થયેલો ગેઈલ ગુરુવારની મેચ રમશે

October 14, 2020

દુબઈ : કિંગ્સ ઈલેવન પંજાબના કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેઈલ ફૂડ પોઈઝનિંગથી સ્વસ્થ થઈ ચૂકયો છે. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે તેને રમવાનો મોકો મળી શકે છે. જો ગેઈલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો, હાલની આઈપીએલ સિઝનમાં ગેઈલની આ પહેલી મેચ હશે. ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, ગેઈલ ફૂડ પોઈઝનિંગને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદની સામે મેચમાં રમી શકયો ન હતો. ૪૧ વર્ષનો વિસ્ફોટક બેટ્સમેન શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પણ રમી શકયો ન હતો. ગેઈલે સોશિયલ મીડિયા પર હોસ્પિટલથી એક ફોટો શેર કર્યો છે, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે ગેઈલનો ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતો એક ફોટો શેર કર્યો હતો. ટીમ સુત્રોએ સમાચાર એજન્સીને કહ્યું કે, તે હવે સ્વસ્થ છે અને આશા છે કે આરસીબી સામે ગુરુવારની મેચમાં તે રમશે. આ મેચ શારજાહમાં રમાશે, જેનું મેદાન આઈપીએલના ત્રણેય મેચ સ્થળોમાંથી સૌથી નાનું છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ અત્યાર સુધી કિંગ્સ ઈલેવન પંજાબને સારી શરૂઆત અપાવી છે. અને તેવામાં ગેઈલને રમવાનો મોકો મળ્યો નથી. કિંગ્સ ઈલેવનને ૭માંથી ૬ મેચોમાં હારનો સામનો કરવો પડયો છે અને તેને પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે કાંઈક સ્પેશિયલ પર્ફોર્મન્સ કરવાની જરૂર છે.