સુરતમાં ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત, ભાજપ 58 તો આપ 22માં આગળ, કોંગ્રેસને ખાતુ ખોલવાના ફાંફા

February 23, 2021

સુરત : એશિયામાં સૌથી ઝડપથી વિકસતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ આપ વિજયી થઈ રહ્યું છે.વોર્ડ નંબર 1,6,8,10,14,15,21,23,15,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 2,4,5,16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે.હાલ ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

કોંગ્રેસે વોર્ડ નંબર 3માં પાસના સમર્થક ધાર્મિક માલવિયાને મેન્ડેટ આપ્યા બાદ તેણે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ નહોતું. પાસ દ્વારા વધુ એક ટિકિટની માંગ કરાઈ હતી. પરંતુ પાસની માંગણી ન સ્વિકારાતા પાસ કોંગ્રેસથી વિમુખ થયું હતું. કોંગ્રેસને જીત માટે પડકાર પાસે ફેંક્યો હતો. પરંતુ પરિણામમાં પાસનો પડકાર સાચો પડતો હોય તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને પાસ સમર્થિત આપ નવા પક્ષ તરીકે ઉભરી રહી છે.

શહેરની એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કર્મચારીઓ અને દૂર રહેતા લોકો જે મતદાન બૂથ પરથી મત ન આપી શક્યા હોય તેવા મતોની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા છે.