આઈ મેકઅપથી મેળવો અલગ લુક

September 06, 2022

આઈ મેકઅપમાં કાજલ હંમેશાં માટે સૌથી પહેલી પસંદ રહી છે. સમયની સાથે સાથે ભારતીય મહિલાઓમાં મેકઅપ પાઉચમાં કાજલની સાથે આઇલાઇનરનું સ્થાન પણ અગત્યનું બની ગયું છે. આઇલાઇનરનું મહત્ત્વ વધતાં એમાં વિવિધતાને સામેલ કરવામાં આવી, પરિણામે હાલમાં બજારમાં ડિફરન્ટ પ્રકારના આઇલાઇનર્સ ઉપલબ્ધ છે. આઇલાઇનર્સમાં આવેલા વેરિયેશનને કારણે એમાંથી પોતાના માટે યોગ્ય આઇલાઇનરની પસંદગી કરવી મુશ્કેલ છે. લાઇનર્સને જોઇને ઘણી વખત આપણે આપણી માટે બેસ્ટ લાઇનર નક્કી કરી શકતાં નથી, તો આજે એ અંગે વાત કરીશું. જેનાથી બેઝિક લાઇનરથી લઇને વિંગ્ડ લાઇનરને પરફેક્ટ રીતે લગાવવામાં અને તેની પસંદગી કરવામાં સરળતા રહેશે.

વોટર લાઇનર
વોટર લાઇનરને ડિફાઇન કરવી હંમેશ માટે ટ્રેન્ડમાં રહ્યું છે. આઇલાઇનર પેન્સિલથી આ ટ્રેન્ડનો ભાગ બનો. વોટર લાઇનરમાં બ્લેક, બ્રાઉન, વાયોલેટ જેવા વિવિધ શેડ સરળતાથી મળી જશે. એમાંથી તમારી પસંદ અનુસાર શેડ ખરીદો. આઇલાઇનર લગાવવામાં સરળતા રહે એટલે વોટરપ્રૂફ જૅલ પેન્સિલ પસંદ કરો. એ લાંબા સમય સુધી ટકી રહેશે.

ક્લાસિક કેટ આઈ
કેટ આઈ મેકઅપ ટ્રેન્ડ સૌથી વધારે પસંદ કરનારા ટ્રેન્ડસમાંનો એક છે. આ ટ્રેન્ડને તૈયાર કરવો થોડો મુશ્કેલ છે. ઘણી વખત યુવતીઓ તેને લગાવવાનું શીખી તો લે છે પરંતુ પરફેક્શન આવતું નથી. લિક્વિડ આઇલાઇનરનું પિગ્મેન્ટ બહુ બોલ્ડ હોય છે. તેની ફ્લૂઇડિટી તેને લગાવવામાં સરળ બનાવે છે. તમારી મુશ્કેલીનો ઉકેલ લિક્વિડ લાઇનરમાં છુપાયેલો છે. સૌથી પહેલાં આંખની કિનારી ઉપર કેટ આઇનું ફિલક બનાવો અને પછી લાઇનરને બહારથી અંદરની તરફ લગાવો. આ રીતે ક્લાસિક કેટ આઇ તૈયાર થઇ જશે.

સ્મોકી ઇફેક્ટ
સ્મોકી આઇ લુક અત્યારે ટ્રેન્ડમાં છે. સેક્સી સ્મોકી આઇ લુક મેળવવા માટે મુલાયમ ટિપવાળી કાજલ પેન્સિલનો ઉપયોગ કરવો જોઇએ. જે ડ્યૂઅલ ટિપવાળી હોય અને ફોમ ટિપ એટેચ્ડ હોય. પહેલાં કાજલ લગાવો અને પછી બીજી બાજુથી ફોમ ટિપથી તેને સ્મજ કરી લો. આમ કરવાથી સ્મોકી ઇફેક્ટ મળશે.

વિંગ્ડ લાઇનર
જો તમે વિંગ્ડ લાઇનરને કલાત્મક રીતે લગાવવા ઇચ્છો છો તો લોન્ગ વેર જૅલ આઇલાઇનરનો ઉપયોગ કરો. જેમાં એંગલ્ડ બ્રશ પણ હોય છે. જૅલ આઇલાઇનર, લાઇનર લગાવવાની પ્રક્રિયા સરળ બનાવશે અને ડાર્ક પિગ્મેન્ટ આપશે. એંગલ્ડ બ્રશ તમને ગ્રાફિક લાઇનર લગાવવામાં મદદ કરશે. એમાં તમે આઇલાઇનરની સાથે મુક્ત રીતે ઉપયોગ કરી શકો છો.

માર્કરનો કમાલ
રેટ્રો વિંગ્ડ આઇ લુક મેળવવા માટે માર્કર આઇલાઇનર પેનની જરૂર પડશે. માર્કર પેનની મદદથી તમે બારીક લાઇન્સ બનાવી શકશો. આ આઇલાઇનરના શેપની સાથે પ્રયોગ કરવામાં મદદ કરે છે, કારણ કે તેનો પોઇન્ટ એકદમ શાર્પ હોય છે.