ઉ.પ્રદેશના બંધક કાંડમાં 11 કલાકે 23 બાળકોનો હેમખેમ છુટકારો

February 01, 2020

લખનઉ : ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના કથરિયા ગામમાં દીકરીની બર્થ ડે પાર્ટીના બહાને ૨૩ બાળકોને ઘરમાં બોલાવી ગુરુવારે બપોરે બે કલાકથી બંધક બનાવનાર ક્રિમિનલ સુભાષ બાથમને મધરાત બાદ લગભગ ૧ લાગ્યાના સુમારે કાનપુર રેન્જના આRS મોહિત અગરવાલના નેતૃત્વમાં યુપી પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે ઠાર મારતાં ૧૧ કલાક લાંબા બંધક કાંડનો અંત આવ્યો હતો. પોલીસે સુભાષ બાથમે બંધક બનાવેલા તમામ ૨૩ બાળકને હેમખેમ મુક્ત કરાવ્યાં હતાં. સુભાષ બાથમે બાળકોને બંધક બનાવ્યાં હતાં તે મકાનના ગોડાઉનમાંથી પોલીસે મોટી સંખ્યામાં શસ્ત્રો અનેે વિસ્ફોટકો જપ્ત કર્યાં હતાં. હોસ્ટેજ ક્રાઇસિસ દરમિયાન સુભાષ બાથમે ગ્રામીણો અને પોલીસ પર ક્રૂડ બોંબ અને દેશી બનાવટની પિસ્તોલથી હુમલો કરતાં ૩ને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં સુભાષ બાથમના પાગલપનની સજા તેની પત્ની રૂબીને ભોગવવી પડી હતી. નારાજ ગ્રામીણોએ ઘરમાંથી બહાર આવેલી રૂબી પર પથ્થરો અને ઇંટો વડે હુમલો કરી માર મારી હતી. જેના કારણે તેેને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું.