આઇબ્રો કરાવતી વખતે થતી પીડામાંથી છુટકારો મેળવો

September 13, 2021

પ્રશ્નઃ મારી ઉંમર ૧૮ વર્ષ છે. હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારી આઇબ્રોનો ગ્રોથ વધારે છે. હું આઇબ્રો કરાવું ત્યારે મને દુખાવો થાય છે, એટલે આઇબ્રો કરાવવાનું ટાળું છું. મને કોઇ એવી ટિપ્સ બતાવો જેથી મને આઇબ્રો કરાવવામાં સરળતા રહે અને હું નિયમિત આઇબ્રો કરાવી શકું.   
જવાબઃ ઘણાં લોકોની ત્વચા સેન્સેટિવ હોય છે. એના લીધે આઇબ્રો કરાવતી વખતે એમને બળતરા થતી હોય છે, કેટલાકને આંખમાંથી પાણી નીકળી જતાં હોય છે. આઇબ્રો કરાવતાં પહેલાં આઇબ્રોની આસપાસના ભાગમાં બરફનો ટુકડો ઘસી લો. એનાથી થ્રેડિંગ કરતી વખતે તમને ઓછી બળતરા થશે. થ્રેડિંગના દુખાવાથી છુટકારો મેળવવા ચ્યુઇંગમ ચાવવાનું રાખો. એનાથી તમારું ધ્યાન થ્રેડિંગ પરથી હટી જશે અને દુખાવો ઓછો થશે. થ્રેડિંગ પછી આઇબ્રોઝવાળા ભાગમાં બળતરા થતી હોય તો એલોવેરા જેલ લગાવી શકો. આઇબ્રોવાળો ભાગ સૂઝી ગયો હોય તો બરફ ઘસવાથી રાહત થશે.  

પ્રશ્નઃ મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારા નખની પાછળની ત્વચા ફાટી જાય છે, ક્યારેક નીકળી જાય છે. ઘણી વખત તો ત્યાંથી લોહી પણ નીકળે છે. એના લીધે એ ભાગમાં દુખાવો થાય છે અને આંગળીઓ બહુ ખરાબ લાગે છે. નેઇલ પોલિશ લગાવવામાં તકલીફ પડે છે. શું કરવું કંઇ સમજાતું નથી. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા મને કોઈ ઉપાય બતાવો.  
જવાબઃ તમારી ત્વચા સૂકી છે એના લીધે આ પ્રકારની સમસ્યા થાય છે. નખની પાછળની ત્વચાની સંભાળ રાખવા ક્યૂટિકલ ઓઇલનો ઉપયોગ કરો. ક્યૂટિકલ ઓઇલને સ્નાન કર્યા બાદ અને રાત્રે સૂતા પહેલાં હળવા હાથે આંગળીની ત્વચા ઉપર લગાવી દો. ક્યૂટિકલ ઓઇલ ન હોય તો કોપરેલ પણ લગાવી શકો. એક બાઉલમાં દોઢ ચમચી મધ, એલોવેરા જ્યૂસ અને ઓલિવ ઓઇલનાં ટીપાં લો. આ મિશ્રણને બરાબર મિક્સ કરી આંગળી ઉપર ૧૦ મિનિટ સુધી મસાજ કરો. પછી આંગળી સાદા પાણીથી ધોઇ નાંખો. આ ટિપ્સનો ઉપયોગ નિયમિત કરવાથી તમારા હાથ મુલાયમ થઇ જશે.  

પ્રશ્નઃ મારી ઉંમર ૧૯ વર્ષ છે. મારી પીઠ પર કાળી ઝાંય પડી ગઇ છે. પરિણામે બેકલેસ ડ્રેસ પહેરી શકતી નથી. પહેરું તો બહુ ખરાબ લાગે છે. મને કોઈ ઉપાય બતાવો.  
જવાબઃ સૂર્યના સીધા કિરણો પીઠ ઉપર પડવાને લીધે પીઠ ઉપર કાળી ઝાંય પડી જતી હોય છે. આ સમસ્યા ચહેરા ઉપર પણ આ થઇ શકે છે. તેને દૂર કરવા એક મીડિયમ સાઇઝના બટાકાની છાલ કાઢી તેને છીણી નાંખો. પછી બટાકાનો રસ કાઢો. બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરી લો. આ મિશ્રણને પીઠ પર લગાવી અડધો કલાક સુધી રહેવા દો પછી સાદા પાણીથી ધોઇ લો. આ રીતે અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવાથી કાળી ઝાંય ધીરેધીરે દૂર થઇ જશે. બેકલેસ ડ્રેસ પહેરો ત્યારે ચહેરાની જેમ બેક ઉપર પણ સનસ્ક્રીન લોશન અચૂક લગાવો, જેથી પીઠમાં સનબર્ન નહીં થાય અને બિન્દાસ રીતે બેકલેસ ડ્રેસ તમે પહેરી શકશો.