લ્યો બોલો! મોદી સરકારે કહ્યું, બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી કોઈ મર્યું નથી

July 20, 2021

આ માહિતીને લઈને કોંગ્રેસ હવે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે


નવી દિલ્હી- કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ હવે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનનાં અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું.
રાજ્યસભામાં સરકારે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નિયમિત ધોરણે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને કોરોનાને કારણે થતાં મૃત્યુ અંગેની માહિતી આપવામાં આવે છે. પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશએ આરોગ્ય મંત્રાલયને ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ વિશે માહિતી આપી નથી.
આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે પ્રથમ લહેરમાં 3,095 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી, જ્યારે બીજી લહેરમાં માંગ 9,000 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી.
સરકારે કહ્યું કે બીજી કહેરમાં કેન્દ્ર દ્વારા રાજ્યમાં 28 મે સુધી 10,250 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકને મહત્તમ 1200-1200 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યું હતો. જ્યારે, દિલ્હીને 400 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યો હતો. 

- કોંગ્રેસ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે
મંત્રાલયે આપેલી આ માહિતીને લઈને કોંગ્રેસ હવે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે. તેમણે કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે સરકાર એમ કહી રહી છે કે ઓક્સિજનના અભાવને કારણે કોઈનું પણ મોત થયું નથી. તેઓએ ખોટી માહિતી આપીને ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. અમે તેમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવનો લાવીશું. આ નિંદાત્મક છે."