ગીર સોમનાથમાં આભ ફાટ્યું:સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા

July 06, 2022

જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્‍લામા આભ ફાટ્યું છે. જિલ્લામાં ગતરાત્રીથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ અનરાધાર હેત વરસાવનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાબલેધાર વરસાદ વરસાવી દેતા પાણી પાણી કરી દીધું હતુ. જેમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે. તો ભારે વરસાદના પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંર્તગત કઢાયેલા રસ્તાો સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતા વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતા બંન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગીર સોમનાથના દરીયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગતરાત્રીથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રીના શરૂ થયેલી મેઘસવારીએ સવારે 10 વાગ્‍યા સુધી સાત કલાકમાં 280 મિમી (12 ઇંચ), કોડીનારમાં 225 મિમી (9 ઇંચ) અને વેરાવળમાં 124 મિમી (5 ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદના પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.