દેવાળુ ફૂંકવાના આરે શ્રીલંકા, સોનુ વેચવા માંડ્યુ, ભારતનુ 1991નુ ઉદાહરણ આપ્યુ

January 19, 2022


દિલ્હી- દેવાળુ ફૂંકવાના આરે આવીને ઉભેલા ભારતના પાડોશી દેશને હવે પોતાનુ સોનુ વેચવાની નોબત આવી છે. શ્રીલંકાની રિઝર્વ બેન્કનુ કહેવુ છે કે, ડિસેમ્બર 2020માં અમે અમારા સોનાના ભંડારનો કેટલોક હિસ્સો લિકિવડિટી વધારવા માટે વેચ્યો છે. દરમિયાન એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાની રિઝર્વ બેન્કે પોતાના 6.69 ટન સોનાના ભંડારમાંથી 3.6 ટન સોનુ વેચ્યુ હતુ.હવે તેની પાસે  3 થી 4 ટન જ સોનુ બચ્યુ  છે. આ હિસ્સો 2021ની શરુઆતમાં વેચવામાં આવ્યો હતો.

જ્યારે 2020માં શ્રીલંકાએ પોતાનુ 12.3 ટન સોનુ વેચ્યુ હતુ.તે વખતે શ્રીલંકા પાસે 19 ટન જેટલો સોનાનો ભંડાર હતો.બેન્કનુ કહેવુ છે કે, વિદેશી હુંડિયામણ વધારવા
માટે સોનુ વેચવામાં આવ્યુ હતુ.જ્યારે વિદેશી હુંડિયામણ અમારી પાસે વધી રહ્યુ હતુ ત્યારે અમે સોનુ ખરીદયુ હતુ.હવે જ્યારે દેશનુ વિદેશી ભંડોળ પાંચ અબજ
અમેરિકન ડોલરના સ્તર સુધી પહોંચશે ત્યારે અમે ફરી સોનુ ખીદવા માટે વિચારણા કરીશું.

દરમિયાન શ્રીલંકાના જાણીતા ઈકોનોમિક્સટ ડો.વિજયવર્ધનેનુ કહેવુ છે કે, ભારતે પણ આ જ રીતે 1991માં દેવાળિયા ના થવા તે માટે સોનુ વેચ્યુ હતુ.સોનાનો ભંડાર કોઈ પણ દેશ અંતિમ ઉપાય તરીકે વેચવા માટે કાઢતો હોય છે.ભારતે પહેલા તો પોતાનુ સોનુ વેચવાની વાત છુપાવી હતી પણ જ્યારે વાત બહાર આવી ત્યારે તત્કાલિન નાણા મંત્રી મનમોહનસિંહે લોકસભામાં સ્વીકારી લીધુ હતુ કે, દેશ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.આજે શ્રીલંકાની સ્થિતિ 1991ના ભારત જેવી જ છે. ઉલ્લેખનીય છે કે, 1991ના ઉદારીકરણ પહેલા ભારતની ઈકોનોમીની હાલત એટલી
ખરાબ હતી કે, બે વખત સોનુ ગીરવે મુકવુ પડયુ હતુ.પહેલી વખત 20 ટન અને બીજી વખત 47 ટન સોનુ ગીરવે મુકવામાં આવ્યુ હતુ. સરકારે કોઈને આ બાબતની જાણ નહોતી કરી પણ એક અંગ્રેજી અખબારે અહેવાલ પ્રસિધ્ધ કરીને સનસનાટી મચાવી હતી.