સોનું ઓલ ટાઈમ હાઈ, આગામી સમયમાં 55 હજારની સપાટી પાર કરે તેવી શક્યતા

July 01, 2020

અમદાવાદ : ગુજરાતમાં સોનું ફરીથી ઓલ ટાઈમ હાઈ થયું છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ 50,675.00 રૂપિયા છે. 2020ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન સોનામાં 23.75 ટકાનો ઊછાળો નોંધાયો છે. આ સમયમાં સોનાએ અકલ્પનીય એવી રૂા. 50000ની સપાટી પણ કૂદાવી છે. જૂનના અંતિમ દિવસે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે પણ સોનું રૂા. 50200ની વિક્રમી સપાટીએ બંધ રહ્યું હતું.

સોનાના ભાવ ફરી એકવાર 50 હજારને પાર પહોંચ્યો છે. બે દિવસમાં સોનાના ભાવમાં 800થી 1000 રૂપિયાનો વધારો થયો છે. હાલ રાજકોટની સોની બજાર ભયંકર મંદીના ભરડામાં આવી ગયું છે. હાલની સ્થિતિ જોતાં દિવાળી સુધી સોની બજારમાં રોનક નહીં જોવા મળે તેવું રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનનાં પ્રમુખે જણાવ્યું છે. તો સતત સોનાના ભાવ વધતાં ગ્રાહકો જૂનું સોનુ આપી નવા સોનાના દાગીનાની જ ખરીદી કરે છે તેવું સોની વેપારીએ જણાવ્યું હતું. એટલું જ નહીં, કોરોના અને લોકડાઉનને કારણે બંગાળી કારીગરો 30 ટકા વતનમાં જતાં રહ્યા હોવાને કારણે પણ સોની બજારને મોટો ફટકો પડ્યો છે.

બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે કરન્સી બાસ્કેટમાં ડોલરની મજબૂતાઇ તેમજ કોરોના મહામારી સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ વૈશ્વિક સ્તરે ઉદભવેલ અનિશ્ચતતાભર્યા માહોલમાં લોકો સેફ ઈન્વેસ્ટમેન્ટ તરીકે સોના તરફ વળતા સોનાના ભાવમાં એકધારો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૧૭૪૦ ડોલરથી ૧૭૯૦ ડોલર વચ્ચે અથડાયા હતા.

અમદાવાદ સોના-ચાંદી બજારમાં તા. 1 જાન્યુઆરીએ સોનું 10 ગ્રામ દીઠ રૂા. 40300ની સપાટીએ હતું જે આજે 30 જૂનના રોજ રૂા. 50200ની સપાટીએ બંધ રહ્યું હતું.